માતબર રકમની ગ્રાન્ટ છતાં સ્મશાન બન્યું નર્ક, ભ્રષ્ટાચારના ઉડ્યા ધજાગરા! વિકાસના નામે તાયફા કરતી આમોદ નગરપાલિકાના પાપે આજે આમોદની જનતાને મરણ પછી પણ શાંતિ મળે તેમ નથી! આમોદ શહેરના સ્મશાન ગૃહમાં સરકારે રૂ. ૧.૦૨ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી હોવા છતાં, એજન્સીની બેદરકારી અને તંત્રની મિલીભગતને કારણે આજે સ્મશાન નર્ક સમાન બની ગયું છે. ભાજપના પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લિંબચીયા અને હિન્દુ સમાજના આક્રોશિત યુવાનોએ આજે સ્મશાનની મુલાકાત લેતા પાલિકાના ભ્રષ્ટ વહીવટના ધજાગરા ઉડ્યા છે. નગરમાં ચર્ચાઈ રહ્યું છે કે આમોદ પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર માત્ર ઓફિસમાં બેસી રહેવામાં જ રસ ધરાવે છે. લાખો-કરોડોના કામો ચાલતા હોવા છતાં, આ જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળ તપાસ કરવાની તસ્દી લેતા નથી. એજન્સી શું કામ કરે છે, કેટલું નુકસાન કરે છે, તેની આ સાહેબોને કોઈ જ જાણકારી નથી. એન્જિનિયરની ગેરહાજરીમાં એજન્સીએ મનસ્વી રીતે જેસીબી ફેરવીને સ્મશાનની ૧૦ બાસ્ટીલો અને નવી બનાવેલી ચેઈ તોડી નાખીને ભારે નુકસાન કર્યું છે.
ખોટા ભૂમિપૂજન અને તોડફોડ! સાંસદની ગ્રાન્ટના ગેટનું કામ વર્ષથી અધ્ધરતાલ, અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં! સૌથી ગંભીર અને શરમજનક બાબત એ છે કે, આડેધડ ખોદકામ અને કામગીરીને કારણે સ્મશાનમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. હિન્દુ સમાજના યુવાનોએ ભારે રોષ સાથે સવાલ કર્યો છે કે, જો અત્યારે શહેરમાં કોઈનું આકસ્મિક મૃત્યુ થાય, તો શું તેના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે હેલિકોપ્ટર બોલાવવું પડશે? તંત્રની આ હદ બહારની આળસ અને બેદરકારીથી સમગ્ર આમોદ પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે. માત્ર ૧.૦૨ કરોડ જ નહીં, પરંતુ સાંસદ મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા ૬ લાખ રૂપિયાના ગેટનું કામ પણ એક વર્ષથી અધ્ધરતાલ છે. ભૂમિપૂજનના ફોટા પડાવ્યા પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ લાગે છે. આ મુદ્દે હવે આમોદનો હિન્દુ યુવાન આરપારની લડાઈના મૂડમાં છે. ભીખાભાઈ લિંબચીયાએ ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. અને સોમવારે હિન્દુ સમાજના આગેવાનો સાથે મળીને પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. જો તાત્કાલિક અસરથી સ્મશાનનો રસ્તો ક્લિયર કરવામાં નહીં આવે અને જવાબદાર એન્જિનિયર સામે પગલાં નહીં લેવાય, તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પાલિકા તંત્રની સંવેદનહીનતા પર પ્રહાર: જે તંત્ર મનુષ્યના અંતિમ વિસામગ્રા એવા સ્મશાનની ગરિમા જાળવી શકતું નથી, તેની પાસે બીજા કોઈ વિકાસની અપેક્ષા રાખવી એ મૃગજળ જેવું છે. સ્મશાન એ કોઈ ભૌતિક સંપત્તિ માત્ર નથી, પણ લાખો લોકોની આસ્થા અને સંવેદના સાથે જોડાયેલું પવિત્ર સ્થાન છે. જો કરોડો રૂપિયાના આંધણ પછી પણ ત્યાં જવા માટે રસ્તો ન હોય કે નવી બનેલી વ્યવસ્થાઓ જેસીબી ફેરવીને તોડી પડાય, તો એ સ્પષ્ટ કરે છે કે સત્તાધીશોના હૃદયમાં જનતા પ્રત્યે કોઈ માન નથી. જ્યારે જીવતા માણસોની સુખાકારી તો ઠીક, પણ મૃત્યુ પછીની શાંતિ પણ ભ્રષ્ટાચારની ભેટ ચડી જતી હોય, ત્યારે એ વ્યવસ્થાને ‘વિકાસ’ નહીં પણ વહીવટી લકવો કહેવો જોઈએ. જે અધિકારીઓ માત્ર AC ચેમ્બરમાં બેસીને ફાઈલો પર સહીઓ કરે છે અને પવિત્ર સ્મશાનને નર્ક સમાન બનાવી દે છે, તેમણે સમજવું જોઈએ કે અંતે તો સૌએ ત્યાં જ જવાનું છે. આ સ્થિતિ તંત્રની સંવેદનહીનતાની પરાકાષ્ઠા છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com