આજના રાસાયણિક ખેતીના યુગમાં જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટતી જઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે. ધર્મેશગીરી નાગજીગીરી ગોસ્વામી નામના આ ખેડૂતે છેલ્લા છ વર્ષથી રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે પોતાના ‘પ્રાણશિવ ફાર્મ’માં શૂન્ય બજેટ ખેતીના સિદ્ધાંતો અમલી કરી અન્ય ખેડૂતો માટે એક દીવાદાંડી સમાન ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધર્મેશગીરી પાસે 15 દેશી ગાયોનું ગોધન છે, જેના ગોબર અને ગૌમૂત્રમાંથી તેઓ જાતે જ જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ખાતરો તૈયાર કરે છે. માત્ર 5 એકર જમીનમાં ધાન્ય, કઠોળ અને તેલીબિયાંનું વાવેતર કરીને તેઓ વાર્ષિક 7.5 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. તેમની સફળતાનું મુખ્ય પાસું વેલ્યુ એડિશન છે. તેઓ પોતાના ઉત્પાદનોનું સીધું જ વેચાણ કરે છે અને તેમની ખેતપેદાશોની માંગ હવે અન્ય રાજ્યોમાં પણ વધી રહી છે.
ધર્મેશગીરીની આ પદ્ધતિના પરિણામો ચોંકાવનારા છે. જમીન વિજ્ઞાન મુજબ જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન 0.75% થી વધુ હોય તેને ફળદ્રુપ માનવામાં આવે છે. છ વર્ષ પહેલાં તેમની જમીનમાં આ પ્રમાણ માત્ર 0.33% હતું, જે પ્રાકૃતિક ખેતીના પ્રતાપે વધીને આજે 1.35% એ પહોંચ્યું છે. ધર્મેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો વગર પણ જમીનમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો વધ્યા છે અને ક્ષારનું પ્રમાણ ઘટ્યું છે. રાસાયણિક ખેતી એ માત્ર જમીન નહીં પણ માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઓ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત પાક મેળવી શકાય છે. તેમની આ ઉમદા કામગીરી બદલ રાજ્યપાલના હસ્તે ફાર્મર એવોર્ડ સહિત અનેક સન્માન તેમને મળી ચૂક્યા છે, જે ગુજરાતના કૃષિ જગત માટે ગૌરવની વાત છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com