આમોદ નગરપાલિકામાં રાજકીય સાંઠગાંઠનો ખેલ, પ્રજાનો મિજાજ હવે બદલાયો! : આમોદ નગરપાલિકાની આગામી ચૂંટણી હવે રાજકીય ડ્રામા અને પાયાવિહોણા વચનોનું મેદાન બની રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની આંતરિક ખેંચતાણ અને ટિકિટ વહેંચણીમાં દેખાતી ભ્રષ્ટ સાંઠગાંઠ સામે પ્રજામાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે નેતાઓએ પાછલા પાંચ વર્ષ સુધી નગરજનોના દુઃખ અને વિકાસના કામોને અવગણ્યા, જેઓ વિરોધ પક્ષમાં બેસીને માત્ર મૂંગા પ્રેક્ષક બની રહ્યા હતા તે જ લોકો આજે ફરી સત્તાની ખુરશી માટે ટિકિટના મુખ્ય દાવેદાર બનીને ફરતા થયા છે. શું આમોદના સુશિક્ષિત અને જવાબદાર નાગરિકોમાં ૨૪ ઉમેદવારો શોધવા પણ હવે અઘરા બની ગયા છે?
પાલિકામાં આંગળી ઊંચી કરનારાઓને ફરી તક?રા જકીય પક્ષોનું આ વલણ માત્ર જનતાની મજાક સમાન છે. વોર્ડ નં. ૧ સહિત અનેક વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવારોની માંગને ઠોકર મારીને, પક્ષો બહારથી આયાતી ઉમેદવારોને થોપી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે પક્ષોને જનતાના હિત કરતાં પોતાના અંગત રાજકીય અસ્તિત્વની વધુ પડતી ચિંતા છે. કોંગ્રેસની જૂની અને નિષ્ફળ ગયા છતાં ફરી તક મેળવવાની જીદ અને ભાજપની કથિત બી-ટીમ સાથેની સાંઠગાંઠ આ ચૂંટણીને લોકશાહીના નામે એક રાજકીય મિલીભગત બનાવી રહી હોવાની લોક ચર્ચાઓ પંથકમાં વહેતી થઈ છે. પંથકના નાગરિકો પણ હવે ખૂબ જ સજાગ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અને ગ્રાઉન્ડ લેવલનો મિજાજ સૂચવે છે કે, આ વખતે પ્રજા મામા કે ગઠબંધનના નામે થતા નાટકોને સાંખી લેવાના મૂડમાં નથી. આમોદની પ્રજા હવે એવા પ્રતિનિધિઓ ઈચ્છે છે જેમના લોહીમાં જનસેવા હોય, નહી કે સત્તાની લાલસા. જો રાજકીય પક્ષોએ હજુ પણ સમયસર જનતાની નાડ પારખીને પારદર્શક અને સ્થાનિક ઉમેદવારોને મેદાનમાં નહીં ઉતાર્યા, તો આવનારી ચૂંટણીના પરિણામો પક્ષો માટે ચોક્કસપણે એક મોટો આંચકો સાબિત થશે. પ્રજા હવે ગુલામી કે જોહુકમીનો આ ખેલ વધુ ચલાવવા દેશે નહીં!

નિષ્ફળ નેતાઓને ફરી મોકો, સોશિયલ મીડિયા પર જનતાનો આક્રોશ: આમોદ નગરપાલિકાના વોર્ડ નં. ૧માં રાજકીય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ઉમેદવારની પસંદગી સ્થાનિક સ્તરે ભારે રોષનું કારણ બની છે. સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ લેવલની ચર્ચાઓ મુજબ, પક્ષે એવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. જેમનું વોર્ડમાં કોઈ ખાસ રાજકીય અસ્તિત્વ કે ઓળખ નથી. લોકમુખે એવી ચર્ચા છે કે, ઉમેદવારને નગરપાલિકાનું સંચાલન અને તેના પાયાના કાર્યોની સમજ પણ નથી, જે એક લોકપ્રતિનિધિ માટે લઘુત્તમ આવશ્યકતા છે. જ્યારે બીજી તરફ, વર્ષોથી જમીની સ્તરે રહીને નિઃસ્વાર્થ જનસેવા કરી રહેલા અને લોકોની વચ્ચે રહીને વિશ્વાસ સંપાદિત કરનાર સ્થાનિક કાર્યકર્તાની ટિકિટ કાપી નાખવામાં આવી છે. યોગ્ય અને સક્ષમ ઉમેદવારને અવગણીને બિનઅનુભવી કે અજાણ્યા વ્યક્તિને લાદવાની આ રણનીતિએ વોર્ડની પ્રજામાં ઊંડી નિરાશા અને આક્રોશ પેદા કર્યો છે. આવી અણઘડ પસંદગી માત્ર સ્થાનિક કાર્યકર્તાનું અપમાન નથી, પરંતુ વોર્ડના મતદારોની બૌદ્ધિકતા અને તેમની જરૂરિયાતોની મજાક પણ છે. જો કોંગ્રેસ પક્ષ આ જ પ્રકારની અદૂરદર્શી નીતિ અને પરિવારવાદ કે જૂથવાદને વરેલી રહેશે, તો આવનારી ચૂંટણીમાં પ્રજાના રોષનો ભોગ બનવું પડશે અને વોર્ડ નં. ૧ના પરિણામો પક્ષ માટે કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો સાબિત થશે. વોર્ડ નં. ૧ ના સ્થાનિક મતદારો અને સમર્થકોમાં ફાટી નીકળેલો આ આક્રોશ હવે સીધી ચીમકીમાં ફેરવાઈ રહ્યો છે. લોકોનું સ્પષ્ટપણે માનવું છે કે નગરપાલિકામાં એવા પ્રતિનિધિની જરૂર છે જે જનતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવી શકે, નહીં કે માત્ર પક્ષના આદેશ પર આંગળી ઊંચી કરનારા મુંગા પ્રેક્ષકોની. સ્થાનિકોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જો પક્ષ લોકપ્રિય અને સક્ષમ ઉમેદવારની અવગણના કરીને કોઈ બિનઅનુભવી કે અજાણ્યા વ્યક્તિને ટિકિટ આપશે, તો તેઓ મૌન નહીં બેસે. મતદારોમાં એવી ચર્ચા છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ પક્ષ પલટો કરવા અથવા તો પોતાના લોકલાડીલા ઉમેદવારને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારીને લડત આપવા પણ તૈયાર છે. જનતાનો આ મિજાજ સાબિત કરે છે કે હવે મતદારો પક્ષ પ્રત્યેની વફાદારી કરતા ઉમેદવારની લાયકાત અને કામ કરવાની નિષ્ઠાને વધુ મહત્વ આપી રહ્યા છે. પક્ષના અંધાધૂંધ નિર્ણયો સામે પ્રજાએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા હોય તેવું વાતાવરણ વોર્ડ નંબર 1 માં જોવા મળી રહ્યું છે, અને જો આમ થશે, તો તેની સીધી અને ગંભીર અસર કોંગ્રેસને ભોગવવી પડશે એ વાત તો હવે નક્કી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com