રસ્તા પર કાળ બનીને આવી નીલગાય: વાગરા-વિછીયાદ માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અચાનક રસ્તા પર આવી ચડેલી નીલગાયને કારણે બે બાઈક સવાર શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિસ્તારમાં કાર્યરત કે.પી. સોલાર ગ્રુપના બે શ્રમિકો પોતાની દૈનિક જરૂરિયાતો માટે વાગરા તરફ બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન, કેનાલ નજીકના વિસ્તારમાં અચાનક સામે આવેલી નીલગાય સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને શ્રમિકો ફંગોળાઈને રસ્તા પર પછડાયા હતા, જેના પરિણામે તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ માનવતા દાખવી ત્વરિત મદદ કરી હતી અને બંનેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ એક શ્રમિકની ગંભીર સ્થિતિને જોતા તેને વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવામાં આવ્યો છે.
અગાઉ પણ નીલગાયની અડફેટે યુવાને ગુમાવ્યો હતો જીવ: આ અકસ્માત બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વાગરા પંથકમાં રસ્તા પર રખડતી નીલગાયોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જે વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગઈ છે. અગાઉ પણ અરગા નજીક આવી જ રીતે નીલગાયની અડફેટે એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. વારંવાર બનતી આ પ્રકારની દુર્ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આવનારા સમયમાં વધુ માસૂમ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com