Geo Gujarat News

જઘડિયા: ઉમલ્લામાં તસ્કરોનો આતંક, બીમાર પત્નીની સારવાર માટે વડોદરા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી 1.85 લાખની ચોરી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. તાલુકાના ઉમલ્લા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 1,85,400 ની મત્તા ચોરી કરી પલાયન થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત એ છે કે, ચોરો માત્ર કિંમતી સામાન જ નહીં પણ દાગીનાના અસલી બિલ પણ પોતાની સાથે લઈ ગયા છે. ઘટનાની વિગત એવી છે કે, ઉમલ્લાના વાડી ફળીયામાં રહેતા અશ્વિનભાઈ સોમાભાઈ પટેલ ગત ૨ એપ્રિલના રોજ તેમની પત્નીને ડાયાબિટીસની સારવાર અપાવવા માટે વડોદરાની કમલા હોસ્પિટલ ખાતે ગયા હતા. ઘરના સભ્યો બહાર હોવાથી મકાન બંધ હતું, જેનો લાભ અજાણ્યા તસ્કરોએ ઉઠાવ્યો હતો. ચોરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના સામાનની ભારે ઉથલપાથલ કરી હતી.તસ્કરોએ ઘરમાં રહેલા પીવીસી કબાટ અને લોખંડની તિજોરીને નિશાન બનાવી હતી. ૬ એપ્રિલના રોજ જ્યારે દંપતી સારવાર કરાવીને પરત ફર્યું ત્યારે ઘરની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયું હતું. તપાસ દરમિયાન સોનાની ચેન આશરે ૧ તોલા વજનની (કિંમત 1,34,400), ડાયમંડ નંગ: ૧ નંગ (કિંમત 4,000), લેડીઝ પર્સમાંથી 27,000 અને તિજોરીના ખાનામાંથી 20,000 (કુલ 47,000) સહિત સોનાના દાગીના ખરીદ્યા હોવાના ઓરિજિનલ બિલ સહિતની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે, પીડિત અશ્વિનભાઈ પટેલે આ મામલે તુરંત ઉમલ્લા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ, આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. સારવાર માટે ગયેલા પરિવારના ઘરે થયેલી આ ચોરીએ સ્થાનિક રહીશોમાં સુરક્ષા અંગે ચિંતા જન્માવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.