ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. જિલ્લાની 4 નગરપાલિકાઓની કુલ 132 બેઠકો માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જેમાં ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર સૌથી વધુ 137 ફોર્મ ભરાયા છે. તેવી જ રીતે અંકલેશ્વરમાં 36 બેઠકો માટે 107, જંબુસરમાં 28 બેઠકો માટે 100 અને આમોદ નગરપાલિકાની 24 બેઠકો પર 75 ઉમેદવારી પત્રો ભરાતા પાલિકા સ્તરે રસાકસીભર્યો માહોલ સર્જાયો છે. ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો, ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 151 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે દર્શાવે છે કે જિલ્લા પંચાયત કબજે કરવા માટે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ, જિલ્લાની 9 તાલુકા પંચાયતોની કુલ 182 બેઠકો પર 627 ઉમેદવારી પત્રો ભરાતા ગ્રામીણ રાજકારણ પણ તેજ બન્યું છે. તાલુકાવાર વિગતો જોઈએ તો ભરૂચ તાલુકામાં 93 અને ઝઘડિયામાં 95 ફોર્મ ભરાયા છે, જે તાલુકા કક્ષાએ સૌથી વધુ ફોર્મ ધરાવતા વિસ્તારો છે. આ ઉપરાંત જંબુસરમાં 78, વાલિયામાં 75, અંકલેશ્વરમાં 67, નેત્રંગમાં 63, આમોદમાં 62, વાગરામાં 49 અને હાંસોટમાં 45 ફોર્મ ભરાયા છે. આમ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મળીને સમગ્ર જિલ્લાની બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું ખરું ચિત્ર સ્પષ્ટ થશે. હાલ તો ભરૂચ જિલ્લો સંપૂર્ણપણે ચૂંટણીમય બની ગયો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com