આમોદ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે સામાન્ય પ્રક્રિયા નહીં રહી, પરંતુ રાજકીય સમીકરણોને ઉથલપાથલ કરતી મોટી લડાઈ બની ગઈ છે. વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતી આવતી પરંપરાગત સેટિંગ અને ગોઠવણોની વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરીને સમગ્ર રાજકીય મેદાનમાં નવેસરથી તોફાન ઊભું કરી દીધું છે.
આજ રોજ આમોદ ખાતે વધુ 5 ઉમેદવારોના નામાંકન સાથે આપએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આ લડાઈ હવે માત્ર ભાગીદારી નહીં પરંતુ સીધી સત્તા માટેની જંગ છે.જંબુસર વિધાનસભાના પ્રભારી શફીક નારસી દ્વારા આછોદ-2 તાલુકા પંચાયત બેઠક પરથી ફોર્મ ભરવામાં આવ્યું હતું, જ્યારે પાલિકા સ્તરે યાસમીનબેન ને મેદાને ઉતારવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકીય માહોલ વધુ ગરમાયો છે.આ સાથે હેમંતકુમાર વસાવા (ઇખર જિલ્લા પંચાયત બેઠક), મનહરભાઈ પરમાર (પૂરસા તાલુકા પંચાયત બેઠક) અને બાલુભાઈ રોહિત (ભીમપુરા તાલુકા પંચાયત બેઠક) જેવા ચહેરાઓને આગળ લાવી આપએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે લડાઈ માત્ર નેતાઓની નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ અને જનતા વચ્ચેની બનવાની છે.
આક્રમક વ્યૂહરચનાના ભાગરૂપે આપએ જે રીતે તાલુકા અને જિલ્લા પંચાયત સુધી પોતાની પકડ મજબૂત કરવાની શરૂઆત કરી છે, તે જોતા હવે આમોદમાં ત્રિપાંખિયો જંગ અનિવાર્ય બની ગયો છે. આ સ્થિતિએ ભાજપ અને કોંગ્રેસ બંનેના કેમ્પમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જ્યો છે.રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે જો આ રીતે આપ પોતાનું સંગઠન વિસ્તૃત કરતી રહેશે, તો વર્ષોથી અડગ લાગતા રાજકીય ગઢોમાં મોટું ગાબડું પડી શકે છે. ખાસ કરીને યુવા અને પ્રથમવાર મતદારોમાં આપ પ્રત્યે વધતો ઝોક પરંપરાગત પક્ષો માટે એલાર્મ સમાન સાબિત થઈ રહ્યો છે.આમોદની ગલીઓથી લઈને ચોરાહાઓ સુધી હવે એક જ ચર્ચા છે – શું આ વખતે જનતા પરંપરાગત પક્ષોને નકારીને નવા વિકલ્પને મોકો આપશે?
સ્થાનિક મુદ્દાઓ જેમ કે પાણીની સમસ્યા, રસ્તાઓની ખરાબ હાલત અને વિકાસના અધૂરા વાયદાઓ હવે ચૂંટણીના કેન્દ્રમાં આવી ગયા છે. આપના ઉમેદવારો આ મુદ્દાઓને જ હથિયાર બનાવીને સીધી લડાઈ લડી રહ્યા છે, જેનાથી આ ચૂંટણી વધુ રસપ્રદ અને ટક્કરભરી બનતી જઈ રહી છે.આમોદમાં હવે લડાઈ માત્ર મતની નથી, પરંતુ વિશ્વાસ અને બદલાવની બની ગઈ છે. 2026ની આ ચૂંટણી નક્કી કરશે કે આમોદની જનતા જૂની રાજકીય ગોઠવણોને આગળ વધારશે કે પછી નવા વિકલ્પ સાથે ઈતિહાસ લખશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com