Geo Gujarat News

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક, પરિવાર ઉપરના માળે સૂતો રહ્યો અને નીચેથી 1.65 લાખની ચોરી કરી ચોર ફરાર

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક શહેર અંકલેશ્વરમાં તસ્કરોએ ખાખીનો ખોફ ગુમાવ્યો હોય તેમ ધોળે દિવસે તો ઠીક, પણ રાત્રિના સમયે ઘરમાં માણસોની હાજરી હોવા છતાં ચોરીની હિંમત કરી છે. શહેરના મોટા કુંભારવાડ વિસ્તારમાં એક મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મતા ચોરી કરી રકચક્કર થઈ ગયા છે. અંકલેશ્વરના મોટા કુંભારવાડ વિસ્તારમાં રહેતા ઝુલ્ફીકાર સદરૂદ્દીન બાલાના મકાનમાં ગત રાત્રિએ ચોરીની ઘટના બની હતી. રાબેતા મુજબ ઝુલ્ફીકારભાઈ અને તેમનો પરિવાર નીચેના માળના મુખ્ય દરવાજાને મજબૂત તાળું મારી ઉપરના માળે નિદ્રાધીન થયા હતા. આ તકનો લાભ લઈ તસ્કરોએ રાત્રિના અંધકારમાં મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશેલા ચોરોએ તિજોરીઓ પર હાથ સાફ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, તસ્કરોએ એક-બે નહીં પણ ત્રણ તિજોરીઓ તોડી આખો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તસ્કરો મકાનમાંથી 1.50 લાખની રોકડ રકમ, 15,000* ની કિંમતની ત્રણ નંગ કાંડા ઘડિયાળ મળીને કુલ 1.65 લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. સવારે જ્યારે પરિવાર નીચે આવ્યો ત્યારે ઘરની હાલત જોઈ તેમના હોશ ઉડી ગયા હતા.ચોરીની જાણ થતા જ અંકલેશ્વર એ.ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન નજીકમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં બે શકમંદ શખ્સોની હિલચાલ કેદ થઈ છે, જેના આધારે પોલીસે આગળની કડીઓ મેળવવાની તજવીજ શરૂ કરી છે. ચોરોને પકડવા માટે પોલીસે પરંપરાગત તપાસની સાથે ટેક્નિકલ ટીમોની પણ મદદ લીધી છે. તસ્કરો કઈ દિશામાં ગયા તે જાણવા ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી સાથેજ સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય પુરાવા એકત્રિત કરવા ફોરેન્સિક ટીમ બોલાવવામાં આવી. તેમજ મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસે 1.65 લાખની ચોરીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આ ઘટનાને પગલે વિસ્તારના રહીશોમાં ભયની સાથે સુરક્ષા અંગે પણ ચિંતા જોવા મળી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.