વાગરા-આંકોટ માર્ગ પર વર્ષોની મહેનત રાખમાં ફેરવાઈ, અજાણ્યા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની તૈયારી: વાગરા વન વિભાગ હેઠળ આવતા વાગરા રેંજના આંકોટ-વાગરા રોડ પર પર્યાવરણને નુકસાન પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષ 2018-2019માં તૈયાર કરવામાં આવેલા S મોડલના સરકારી વાવેતર પ્લોટમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવતા વન સંપત્તિને ભારે નુકસાન થયું છે. આ ભીષણ આગની લપેટમાં આવી જવાથી અંદાજે 620 જેટલા ઉછરેલા રોપા બળીને ખાખ થઈ ગયા છે, જેને કારણે વન વિભાગની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કુદરતી સંપત્તિનો નાશ કરનારા આ તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓએ જાહેર માર્ગ પર આવેલા સરકારી પ્લોટને નિશાન બનાવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વાગરા વન વિભાગ સફાળું જાગ્યું છે. અને આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. વન વિભાગ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. અને માંગ ઉઠી છે કે પર્યાવરણના આવા દુશ્મનોને શોધી કાઢી તેમની સામે એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ વન્ય સંપત્તિને નુકસાન પહોંચાડતા પહેલા સો વાર વિચાર કરે વન વિભાગ હવે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી છે કે, આ કૃત્ય પાછળ કોઈ અંગત અદાવત છે કે પછી માત્ર વિકૃત માનસિકતા!
વાગરામાં લાકડા માફિયાઓનું ખતરનાક નેટવર્ક, રોડ સાઈડના વૃક્ષોને સળગાવી લાકડા ચોરીનો નવો કીમિયો?, ઊંડાણપૂર્વકની તપાસમાં મોટા ષડયંત્રના પર્દાફાશની શક્યતા: વાગરા પંથકમાં પર્યાવરણના જતન સામે એક મસમોટું કૌભાંડ આકાર લઈ રહ્યું હોય તેમ જણાય છે. અહીં માત્ર આકસ્મિક આગ નથી લાગતી, પરંતુ લાકડા માફિયાઓ દ્વારા એક સુનિયોજિત કીમિયો અપનાવવામાં આવી રહ્યો છે. રોડની સાઈડમાં આવેલા ઘટાદાર વૃક્ષો અને સરકારી વાવેતરના પ્લોટમાં જાણીબૂઝીને આગ લગાડવામાં આવે છે, જેથી વૃક્ષો સુકાઈ જાય અથવા બળી જાય. ત્યારબાદ, આ બળેલા વૃક્ષોને નકામા ગણાવી રાતોરાત લાકડા કાપીને ચોરી કરી જવામાં આવે છે. આ રીતે માત્ર કિંમતી રોપા જ નહીં, પરંતુ કુદરતી રીતે ઉગેલા દેશી બાવળનું પણ નિકંદન કરવામાં આવી રહ્યું છે. જો વન વિભાગ દ્વારા માત્ર સળગેલા પ્લોટનો પંચનામો કરવાને બદલે, આસપાસના લાકડાના વેપારીઓ અને રાત્રિના સમયે થતી હેરફેરની સચોટ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો આ આખું ષડયંત્ર અને તેની પાછળ રહેલા મોટા માથાઓ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તંત્રની ઢીલી નીતિને કારણે જ આ માફિયાઓ પર્યાવરણની હોળી કરી પોતાનો આર્થિક સ્વાર્થ સાધતા હોઈ છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com