Geo Gujarat News

આમોદ: આછોદમાં વિકાસના નામે વિનાશનું ખોદકામ? ખાડીને બદલે ગૌચર અને આદિવાસી જમીનોમાં મસમોટા ખાડા, ભ્રષ્ટાચારની ગંધથી ગ્રામજનોમાં ભારે રોષ!!

આમોદ તાલુકાના આછોદ ગામમાં વિકાસના બહાને ચાલતા સરકારી કામમાં નીતિ-નિયમોના લીરેલીરા ઉડાડતું એક મોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે. ખાડીના ખોદકામની મંજૂરી મેળવીને કોન્ટ્રાક્ટરે આસપાસની ગૌચર અને આદિવાસી જમીનોને જે રીતે પીંખી નાખી છે, તે જોઈને ખુદ તપાસમાં આવેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પરવાનગીની આડમાં સરકારી તંત્ર અને જમીન માફિયાઓની મિલીભગતથી લોકહિતના નામે વ્યક્તિગત ખિસ્સા ભરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. ગામજનોનો આક્ષેપ છે કે જે ખાડીની સફાઈ અને ઊંડી કરવા માટે પરવાનગી અપાઈ હતી, ત્યાં તો ખોદકામનું એક તગારું પણ ઉપાડવામાં આવ્યું નથી. તેના બદલે, કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી ગૌચર અને આદિવાસીઓની માલિકીની જમીનોમાં આડેધડ ઊંડા ખાડા કરી નાખ્યા છે. આ ખોદકામ એટલું જોખમી છે કે તે પશુઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે જીવતું જોખમ બની ગયું છે. જો ખાડીનું કામ વ્યવસ્થિત થયું હોત તો ખેડૂતોને સિંચાઈમાં લાભ થાત, પરંતુ અહીં તો ખેડૂતોના હિતને બાજુ પર મૂકીને માત્ર માટી વેચવાનો અને ભ્રષ્ટાચાર આચરવાનો જ ખેલ પાડવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે ભરૂચ સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ પર આવીને કામ બંધ કરાવવાની સૂચના આપી, તેમ છતાં કોન્ટ્રાક્ટરે સરકારી આદેશને ઘોળીને પી જઈ કામ ચાલુ રાખ્યું હતું. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર કેટલાક માથાભારે તત્વોના જોરે ગ્રામજનોને દબાવી રહ્યો છે. અને તંત્ર પણ તેને છાવરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જે માટી આમોદ-દહેજ હાઈવે પર નાખવાની હતી, તેને પરવાનગી વગર રેલવેના કામમાં ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. જોકે, સરપંચ પતિ સોયબ કાજીએ ત્વરિત પગલાં ભરી માટી ભરેલી ગાડીઓ પરત મોકલાવી તપાસની માંગ કરતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. અધિકારીઓએ હાલ પૂરતું કામ અટકાવીને DLR દ્વારા માપણી કરાવવાની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી જે નુકસાન થયું તેની જવાબદારી કોની? આછોદમાં માત્ર જમીન નથી ખોદાઈ, પણ ગ્રામજનોનો તંત્ર પરનો વિશ્વાસ પણ ખદબદી રહેલા ભ્રષ્ટાચારને કારણે ડગી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે શું ઉચ્ચ કક્ષાએથી આ મામલે નિષ્પક્ષ તપાસ થશે, કે પછી દર વખતની જેમ નાના માછલાઓને પકડીને મોટા મગરમચ્છોને છટકી જવાનો મોકો આપવામાં આવશે? આછોદના લોકો હવે આરપારની લડાઈના મૂડમાં છે. ગૌચર અને આદિવાસી જમીનો પર તરાપ મારનારા તત્વો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી સત્ય અને ન્યાયની આ માંગણી શમવાની નથી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.