Geo Gujarat News

વાગરા: લેખિત અરજીનું બહાનું અને માફિયાઓને મોકળું મેદાન! કેસરોલ-ભેંસલી પટ્ટી પર માટી ચોરીનું મહાકૌભાંડ? રાતના અંધારામાં ધરા ધ્રૂજી

વાગરા પંથકમાં ખનીજ માફિયાઓ સામે તંત્ર નતમસ્ત? વાગરા તાલુકાની દહેજ પટ્ટી પર હાલ કુદરતી સંપત્તિની લૂંટનો ખુલ્લેઆમ ખેલ ખેલાઈ રહ્યો છે. કેસરોલ ગામની સીમમાંથી જે રીતે માટીનું ખનન કરી તેને ખાનગી કંપનીઓના પેટમાં પધરાવવામાં આવી રહી છે, તે જોતા લાગે છે કે અહીં કાયદાનું નહીં પણ માફિયાઓનું શાસન ચાલે છે. રાત્રિના અંધકારમાં ગરજતા ડમ્પરો અને ખોદકામ કરતા મશીનો એ સાબિતી છે કે, આ પાપનો કારોબાર વહીવટી તંત્રની રહેમનજર હેઠળ જ ફૂલ્યોફાલ્યો છે. શું વાગરાનું વહીવટી તંત્ર આ અંધારામાં થતી લૂંટથી અજાણ છે? કે પછી ગાંધીછાપ નોટોના જોરે તંત્રએ પોતાની આંખે પાટા બાંધી દીધા છે?તંત્રની કાગળિયા નીતિ માફિયાઓ માટે સુરક્ષા કવચ! સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગતો મુજબ જ્યારે કોઈ હિંમતવાન નાગરિક આ કાળા કારોબારની ફરિયાદ લઈને મામલતદાર કચેરીના ઉંબરે જાય છે, ત્યારે તેમને લેખિત અરજી આપો કહીને જે રીતે ટલ્લે ચઢાવવામાં આવે છે, તે અધિકારીઓની મેલી મુરાદ છતી કરે છે. પ્રશ્ન એ છે કે, જે માફિયાઓ જેસીબી અને ડમ્પર લઈને આખી ધરતી ખોદી નાખવાની તાકાત રાખતા હોય, તેમની સામે સામાન્ય નાગરિક પોતાની ઓળખ આપીને લેખિત ફરિયાદ કરવાની હિંમત કઈ રીતે કરે? શું વહીવટી તંત્ર અરજદારના જીવની સુરક્ષાની ગેરંટી લેશે? કે પછી તંત્ર પોતે જ ઈચ્છે છે કે કોઈ ફરિયાદ ન કરે અને આ લૂંટ અવિરત ચાલતી રહે?જાગૃત નાગરિકોને સુરક્ષા આપવાને બદલે કાગળિયા માંગતું લાચાર વહીવટી તંત્ર.: શું ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર એટલું લાચાર છે કે તેને રાત્રે ચાલતી આ હલચલ દેખાતી નથી? કે પછી આ માટીના ખેલમાં ઉપરથી નીચે સુધી સૌના હાથ ખરડાયેલા છે? જાગૃત નાગરિકની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયેલું તંત્ર હવે માફિયાઓની ઢાલ બનીને ઊભું હોય તેવું સ્પષ્ટ જણાય છે. પંથકમાં ચર્ચાઈ રહ્યું છે કે જો વહીવટી તંત્રમાં સહેજ પણ નૈતિકતા બચી હોય, તો લેખિત ફરિયાદની જીદ છોડીને તાત્કાલિક સ્થળ તપાસ કરી આવા કાળા કારોબારના સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. નહીંતર, જનતાનો આક્રોશ જ્યારે સડક પર આવશે ત્યારે જવાબ આપવો ભારે પડશે.નૈતિકતાના નેજા હેઠળ ચાલતો અંધારાનો ખેલ, શું તંત્ર ઊંઘતું ઝડપાશે કે તપાસનો ચાબુક ચલાવશે? દહેજ પટ્ટી પર રાત્રિના ઘનઘોર અંધકારમાં જે રીતે માટી ખનન અને વહનની પ્રવૃત્તિ ધમધમી રહી છે, તે પ્રક્રિયા કાયદેસર છે કે ગેરકાયદેસર તે તો વહીવટી તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે, પરંતુ આ ગુપ્ત કાર્યશૈલીએ અનેક સવાલો અને શંકાઓ જન્માવી છે. જો બધું જ નિયમ મુજબ હોય, તો પછી સુર્યપ્રકાશને બદલે રાત્રિના ચોર રસ્તે કામગીરી કરવાની જરૂર કેમ પડી? આ પ્રવૃત્તિ હવે માત્ર સ્થાનિક ચર્ચાનો વિષય નથી રહી, પરંતુ ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બની ચૂકી છે. તંત્રએ હવે લેખિત અરજી જેવી ગૂંચવણની વિધિઓમાં અટવાવાને બદલે સ્થળ પર જઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું અનિવાર્ય બન્યું છે. શું વહીવટી તંત્ર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને આ શંકાસ્પદ ગતિવિધિઓ પાછળનું સત્ય બહાર લાવશે ખરું? પંથકની જનતા હવે તંત્ર પાસેથી માત્ર આશ્વાસન નહીં, પણ પારદર્શક તપાસની અપેક્ષા રાખી રહી છે.સ્થાનિક તંત્રની આડોડાઈ સામે ગાંધીનગરનો આશરો, વિજિલન્સ તપાસની ચીમકીથી ફફડાટ! દહેજ પટ્ટી પર ચાલી રહેલા માટી ખનનના આ કાળા કારોબારમાં જો સ્થાનિક તંત્ર માત્ર લેખિત અરજીના બહાને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરશે, તો હવે આ મામલો રાજ્ય સ્તરે પહોંચશે તેવી પૂરેપૂરી શક્યતા છે. નામ ન આપવાની શરતે માહિતી આપનાર એક જાગૃત નાગરિકે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો વાગરાનું વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે તટસ્થ તપાસ કરીને માફિયાઓ પર લગામ નહીં કસે, તો તેઓ આ તમામ પુરાવાઓ અને માહિતી સાથે સીધા ગાંધીનગર વિજિલન્સ વિભાગના દ્વાર ખખડાવશે. આ ચીમકીએ સ્થાનિક અધિકારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે, કારણ કે જો વિજિલન્સની ટીમ મેદાને આવશે તો માત્ર માફિયાઓ જ નહીં, પણ તેમને છાવરનારા જવાબદાર અધિકારીઓના માથા પણ વઢાય તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે વાગરા તંત્ર પોતાની આબરૂ બચાવવા કાર્યવાહી કરે છે કે પછી મામલો ગાંધીનગરના હવાલે થાય છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.