Geo Gujarat News

વાગરા: દહેજ GIDCમાં ઈનોવિઝન કંપનીના સામાનની ચોરી, ૧.૮૫ લાખના ઈલેક્ટ્રિક કેબલ ગુમ, પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચના શેરપુરા રોડ પર આવેલી રાજમંદિર સોસાયટીમાં રહેતા અને દહેજ બાયપાસ રોડ સ્થિત શિલ્પી સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં આવેલી ઈનોવિઝન ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી. કંપનીમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હિતકુમાર શ્યામબિહારી વજવાશીએ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઈનોવિઝન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલી ટોયોઈન્ક ઈન્ડિયા પ્રા.લી. (જોલવા), માને ઈન્ડિયા પા. લી. અને આલ્કાઈન એમાઈન્સ કેમિકલ લી. જેવી કંપનીઓમાં બિલ્ડીંગ સ્ટ્રક્ચર ઊભું કરવાનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો. માર્ચ ૨૦૨૫ દરમિયાન ટોયોઈન્ક ઈન્ડિયા ખાતે બિલ્ડીંગ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરી, તેમાં કંપનીની જરૂરિયાત મુજબ ઈલેક્ટ્રિક કેબલ નાખવાની અને ઈન્સ્ટ્રુમેન્ટ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી હતી.આ કામગીરી માટે ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વિવિધ સાઈઝના ઈલેક્ટ્રિક કેબલની ખરીદી કરવામાં આવી હતી, જેને ટોયોઈન્ક કંપનીના મટીરીયલ ગેટ નં. ૨ પાસે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. જોકે, બે દિવસ પહેલા સ્ટોર ઈન્ચાર્જ રાજેશ દાસે હિતકુમારને જાણ કરી હતી. કે સાઈટ પર રાખવામાં આવેલ સામાન જોવા મળતો નથી. સ્થળ તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે અંદાજે ૧.૮૫ લાખની કિંમતના ઈલેક્ટ્રિક કેબલ ગત ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૦ મે ૨૦૨૬ના સમયગાળા દરમિયાન કોઈ અજ્ઞાત તસ્કરો ચોરી કરી ગયા છે. આ મામલે હિતકુમારે દહેજ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.