Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં VARITY CHEMICAL PVT માં સુરક્ષાનો સરેઆમ ભંગ! ઊંચાઈ પર મોતને આમંત્રણ આપતી કામગીરી સામે સવાલો

વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત VARITY CHEMICAL PVT. LTD. કંપનીમાં સુરક્ષાના નિયમોને ખુલ્લેઆમ નેવે મુકવામાં આવ્યા હોવાના ગંભીર દૃશ્યો સામે આવ્યા છે. કંપની પરિસરમાં ઊંચાઈ પર પતરાના શેડનું કામ ચાલી રહ્યું હોવા છતાં કામદારોને ફરજિયાત સુરક્ષા સાધનો વિના જ જોખમી કામગીરી કરાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સમગ્ર મામલે કંપનીની બેદરકારી અને શ્રમિકોની સલામતી પ્રત્યેના વલણ સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થળ પરથી મળતી માહિતી મુજબ કામદારો કોઈપણ પ્રકારની સેફટી બેલ્ટ, સેફટી હાર્નેસ, હેલ્મેટ કે અન્ય જરૂરી સુરક્ષા સાધનો વિના ઊંચાઈ પર કામ કરતા જોવા મળ્યા હતા. ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની સલામતી માટે કડક નિયમો હોવા છતાં આવા નિયમોનો ભંગ થતો હોવાની ઘટનાએ ચિંતા વધારી છે. જાણે કંપની સંચાલકો માટે શ્રમિકોના જીવની કોઈ કિંમત જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.દહેજ અને સાયખા GIDC સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ભૂતકાળમાં સુરક્ષાની બેદરકારીના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને કેટલાય શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં કેટલીક કંપનીઓ હજુ પણ સુરક્ષાના મુદ્દે ગંભીરતા દાખવતી નથી, જે અત્યંત ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. જો આવી જ રીતે બેદરકારી ચાલુ રહેશે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. શ્રમિકોના જીવન સાથે ચેડાં સમાન આ ઘટનાને લઈને શ્રમ વિભાગ, ફેક્ટરી નિરીક્ષક કચેરી તેમજ સંબંધિત તંત્ર તાત્કાલિક તપાસ હાથ ધરે અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર જવાબદાર કંપની સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ઔદ્યોગિક વિકાસના નામે શ્રમિકોની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન ચાલે અને નિયમોના ભંગ બદલ જવાબદારોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી બન્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.