આગામી ૨૨મી જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે રામલલ્લાના રામ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. કાર્યક્રમને લઈને સમગ્ર ભારતભરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારત ભરમાં ભવ્ય શોભાયાત્રાઓ નીકળવાની હોઈ જેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જરૂરી પગલાં લેવા ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ મથકોમાં સૂચના આપી હતી. ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ વાગરા પોલીસે પણ બાઈક રેલી સ્વરૂપે વાગરા પોલીસ મથકમાં આવતા વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. CPI વાઘેલા સાહેબનાઓ સાથે વાગરા પોલીસ મથકના PSI અનિતાબા જાડેજાએ પોલીસના કાફલા સાથે બાઈક રેલી યોજી હતી. પોલીસની વિશાળ બાઈક રેલી જોઈ એક સમયે નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. અંદાજીત ૩૦ જેટલી બાઇકોના કાફલા સાથે નીકળેલી પોલીસની રેલી વાગરા ટાઉનના ચીમન ચોક, બજાર, ડેપો સર્કલ, ઓરા ચોકડી, જી.ઇ.બી ચોકડી, તેમજ સાંચણ ગામ સહિત ૨૨મીએ નિકળનાર શોભાયાત્રાઓના રૂટ ઉપર પરિભ્રમણ કરી પરત વાગરા પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમા રેલીએ પરિભ્રમણ કરીને સમગ્ર વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. ગામડાઓમાં ખાખીધારી બાઈક રેલીને જોઈ બાળકો સહિત મોટેરાઓમાં પણ એક સમયે કુતૂહલ સર્જાયું હતું. બાઈક રેલીમાં CPI વાઘેલા, PSI અનિતાબા જાડેજા, વાગરા પોલીસ મથકના જવાનો, ટ્રાફિકના જવાનો, GRD જવાનો સહિત હોમગાર્ડના જવાનો પણ રેલીમાં જોડાયા હતા.

નઈમ દિવાન – વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com