Geo Gujarat News

વાગરા: ફરજમાં બેદરકારી અને જાહેર સેવકને ન છાજે તેવું વર્તન દાખવનાર સલાદરાના મહિલા તલાટી સસ્પેન્ડ..!

વાગરા તાલુકાનાં સલાદરા ગામના મહિલા તલાટીને ફરજમાં બેદરકારી અને એક જાહેર સેવકને છાજે તેવું વર્તન દાખવવા બદલ જિલ્લા પંચાયત સત્તાધીશો દ્વારા સસ્પેન્ડ કરાતા વાગરા તાલુકા તલાટી મંડળમાં સોપો પડી જવા પામ્યો છે.સલાદરાના મહિલા તલાટી હેતલ નાયક ફરજ દરમ્યાન બદલીવાળી જગ્યાએ હાજર ન થતા જિલ્લા પંચાયત દ્વારા નોટિસ પાઠવી ખુલાસો માંગતા તેનો જવાબ પણ ન આપનાર તલાટીને સસ્પેન્ડ કરાતા વાગરા તાલુકા તલાટી વર્તુળોમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.જિલ્લા પંચાયતના હુકમનું ઉલ્લંઘન કરી ફરજમાં મનમાની તેમજ નિષ્કાળજી દાખવી ગુજરાત પંચાયત સેવા વર્તણૂકના નિયમ – ૧૯૯૮ નો ભંગ કરી મહિલા તલાટી હેતલ.ડી.નાયકે ફરજો બજાવવામાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્ક્રિયતા તેમજ શિથિલતા તથા એક જાહેર સેવકને ન છાજે તેવું વર્તન કરવા બદલ જવાબદાર ઠેરવી કારણ દર્શક નોટિસ પાઠવી વિગતવાર ખુલાસો આધાર પુરાવા સહિત તાલુકા વિકાસ અધિકારી વાગરા મારફત રજુ કરવા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

સલાદરાના સરમુખત્યાર મહિલા તલાટી સામે જી.પં. લાલઘુમ..!
સલાદરાના સરમુખત્યાર મહિલા તલાટી સામે જી.પં. લાલઘુમ..!

પરંતુ આ નોટિસ પ્રત્યે તલાટી હેતલે આંખ આડા કાન કર્યા હતા. નોંધનીય છે કે તલાટીએ ખુલાસો કરવામાં ચુક કરતા તેમની સામે ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) ના નિયમો ૧૯૯૭ નાં નિયમ-૬ ની જોગવાઈ ધ્યાને લઇ શિક્ષાત્મક કાર્યવાહી જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા કરવામા આવતા મહિલા તલાટીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તલાટી હેતલ નાયકની બદલી ગ્રા.પં.ભેરસમથી મોજે-ગામ બદલપુરા ખાતે કરવામાં આવી હતી. તલાટીને બદલીવાળી જગ્યા ઉપર હાજર થવા તાલુકા પંચાયત વાગરા કચેરીમાં થી છુટા કરવામાં આવેલ હતા તેમ છતા તેઓએ પોતાની સરમુખત્યારશાહી ચલાવી બદલી વાળી જગ્યા પર હાજર થયા ન હતા.જે અન્વયે તેમને તા.પં.વાગરા એ તા.૨૨/૧૧/૨૦૨૩ નાં રોજ નોટીસ આપી બદલીવાળી જગ્યાએ હાજર ન થવા અંગેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો, જે ખુલાસો તલાટી હેતલ દ્વારા રજુ કરવામાં આવ્યો ન હતો. આમ તલાટીએ ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી દાખવી ફરજમાં શિસ્ત અને નિયમિતતાનો ભંગ કર્યો હોવાનું વાગરા તાલુકા પંચાયત તેમજ ભરૂચ જિલ્લા પંચાયતના ધ્યાને આવતા તલાટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે તલાટી હેતલ નાયક પોતાની ફરજ પ્રત્યે ઉદાસીનતા તથા દુર્લક્ષતા સેવી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવ્યાનું ઉજાગર થયેલ છે. જેથી તલાટી હેતલ ડી. નાયક સામે ફરજ પ્રત્યે કરવામાં આવેલ બેદરકારી,નિષ્કાળજી અને દુર્લક્ષતા તેમજ મનસ્વીપણા અને ફરજ પાલનમાં ફરજચુક કર્યા બદલ ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો – ૧૯૯૭ નાં નિયમ – ૬(૧)(૨) મુજબની શિક્ષાત્મક કાર્યવાહી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.વી. ડાંગી દ્વારા કરવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે મહિલા તલાટી સલાદરા ગ્રામ પંચાયત પર વિવિધ કામો અર્થે જતા અરજદારો તેમજ વાગરા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની વ્યાપક બુમો પણ ઉઠી હતી. માથાભારે મહિલા તલાટીના ફરજ મોકૂફીના હુકમથી વાગરા તા.પં. કચેરી તેમજ સલાદરાના ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

મહિલા તલાટી વાગરા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની વ્યાપક બુમો પણ ઉઠી હતી
મહિલા તલાટી વાગરા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની વ્યાપક બુમો પણ ઉઠી હતી

સલાદરાના મહિલા તલાટી સરપંચ તેમજ સભ્ય ને ખોટા કેસની ધમકી આપતા હતા..!

વાગરા તાલુકા વિકાસ અધિકારીના તા.૨૭/૧૨/૨૦૨૩ નાં પત્રની વિગતો અનુસાર ગ્રામ પંચાયત સલાદરાનાં સભ્ય તથા સરપંચ દ્વારા સલાદરા ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી હેતલબેન ડી.નાયક પાસે પંચાયતનાં કોઇપણ કામ અર્થે ગ્રામ પંચાયત કચેરીએ જતા ત્યારે તેઓની ઉપર મહિલા તલાટી હેતલ નાયક ગુસ્સો કરી ખોટી ધમકી આપતા હતા, કે કાલે મારી છોકરીને કે મને કઇ પણ થશે તો હું તમામ નામો લખાવીશ. વધુમાં તલાટી હેતલની બદલી વાગરા તાલુકાનાં બદલપુરા ગામે થયેલ છતાં તેઓ આજદિન સુધી બદલી વાળી જગ્યા પર હાજર થયેલ નથી. તેમજ નવી નિમણૂક થઇ આવેલ તલાટીને પણ ધમકી આપતા હોવાની વિગતો અંગેનો ગ્રામ પંચાયત સલાદરાના સરપંચ તથા સભ્યની સંયુક્ત સહીવાળો પત્ર તા.પં. વાગરાને લખવામાં આવ્યો હતો.સલાદરા ગામના સરપંચ તેમજ સભ્યો પણ તલાટીના અણછાજતા વર્તનથી ગ્રામ પંચાયત કચેરીનો ઓટલો ચઢવામાં ખચકાટ સાથે ડર અનુભવતા હોવાની હકીકતો સલાદરાના ગ્રામજનો થકી જાણવા મળી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *