સુરતમાં અકસ્માતના કેસો અવારનવાર બનતા રહે છે. ત્યારે મોડી રાત્રે સુરતના ટ્રાફિકથી ધમધમતા રિંગરોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી હતી. કારનો આગળનો બોનેટ સહિત ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે. જ્યારે એક્ટિવા ચાલક અને કારચાલકને પણ ઇજા પહોંચી હતી.

સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક બ્રેજા કાર નંબર જીજે 5 આર એફ 9056નો ચાલક પૂરપાટ ઝડપે ઉધના તરફ જઈ રહ્યો હતો. દરમિયાન બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ત્યાર બાદ ડિવાઇડર કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લઈ લીધો હતો.

એક્ટિવા ચાલકને અડફેટે લીધા બાદ પણ કાર રોકાઈ ન હતી. બ્રિજ પર જ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાડી દીધી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ પર ડિવાઇડર ન હોત તો 30થી 40 ફૂટ નીચે કાર ખાબકી જાય તેવી શક્યતાઓ હતી. આ અકસ્માતમાં કારને આગળની સાઈડના બંને ટાયર અને બોનેટ સહિતનામાં ભારે નુકસાન થયું છે.

કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘૂસી જતા ટ્રાફિક પોલીસ ચોકીને પણ નુકસાન થયું છે. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે કારચાલકને પણ ચહેરાના ભાગે ઇજાઓ પહોંચી છે તેને પણ સારવાર કરાવવામાં આવી હતી. સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે આ કારનો રાત્રે અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ એક્ટિવા ચાલક અને કારચાલક બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક્ટિવા ચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com