અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિકજામ થવાની ઘટના વારંવાર બની રહી છે. અઠવાડિયા પહેલા જ વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 કિમીનો ટ્રાફિકજામ થયો હતો. ત્યારે આજે ફરી વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ વડોદરા નજીક જ તરસાલી-જામ્બુવા બ્રિજ વચ્ચે કન્ટેનર પાછળ બોલેરો પીકઅપ ઘૂસી જતા 5 કિમીનો ભારે ટ્રાફિકજામ થયો હતો. વાહનોની લાંબી લાઈન લાગતા લોકો નેશનલ હાઈવે પર કલાકો સુધી ફસાયા હતા. જોકે, હાલ ટ્રાફિક રાબેતા મુજબ છે. બોલેરો ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે. જોકે ડ્રાઈવરનો સદનસીબે બચાવ થયો હતો. જ્યારે કન્ટેનરનો ડ્રાઈવર કન્ટેનર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને ગાડીને હાઈવે પરથી હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો હતો.

તરસાલીથી જામ્બુવા ચોકડી વચ્ચે બાલાજી પેટ્રોલ પંપ પાસે આજે વહેલી પરોઢે એક ટ્રકચાલક હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. બોલેરો પીકઅપ મહારાષ્ટ્રથી દ્રાક્ષ ભરીને વડોદરા આવી રહી હતી. ત્યારે હાઈવે પર અચાનક જ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેને પગલે આસપાસ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસમાંથી વાહનચાલકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે પીકઅપ ગાડીનો ડ્રાઈવર વિશાલ ગજેરા (રહે. મહારાષ્ટ્ર) ગાડીમાં ફસાય ગયો હતો. જેને આસપાસના વાહનચાલકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સમાં તેને સારવાર આપવામાં આવી હતી. બીજી તરફ મકરપુરા જીઆઇડીસીના ફાયરબ્રિગેડના અમરસિંહ ઠાકોર સહિતની ટીમ સ્થળ પર જવા રવાના થઈ હતી, જોકે હાઈવે પર ખૂબ જ ટ્રાફિકજામ હોવાથી તેઓને સ્થળ પર પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. ફાયબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને પીકઅપ ગાડીને હાઈવે પરથી હટાવી લીધી હતી અને હાઇવે પર થયેલો ટ્રાફિકજામ દૂર કર્યો હતો. ઘટનાની જાણ થતાં કપુરાઇ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને ડ્રાઈવરને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com