જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળમાંથી મચ્છી કાઢવા માટે ગયા હતા. ત્યારે આ સમયે તેમની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ ગયું હતું.

માછીમારોની જાળમાં શિવલિંગ આકારનું કંઇક ફસાઈ જતાં માછીમાર ભાઈઓએ એને ઊંચકવાનો પ્રયત્ન કરતાં એ ઘણું જ વજનદાર હોવાથી તેમનાથી ઊચકાતું નહોતું. જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ મેળવી 10થી 12 વ્યક્તિઓએ ભેગા મળી એને ઊંચકી બોટમાં ચઢાવ્યું હતું અને માછીમારો ભારે જહેમત બાદ એને કાવીના દરિયાકિનારે લાવ્યા હતા. દરિયાકિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢી સાફ કરીને જોતાં એ સ્ફટિકનું શિવલિંગ અને એમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગેની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનોનાં ટોળેટોળાં શિવલિંગને જોવા ઊમટી પડ્યાં હતાં. આ અંગે માછીમારોને કાવીના પીએસઆઈ વૈશાલી આહીરને જાણ કરી હતી.

પીએસઆઈ વૈશાલી આહીર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે. આખું શિવલિંગ ટેબલ પર મૂકવામાં આવતાં પેપર વેઇટ જેવું છે. એમાં ચાંદીનો શેષનાગ દેખાઇ રહ્યો છે, જેને મેં જાતે જઈને જોયો છે. હાલમાં તો ગ્રામજનો આ શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ અથવા અન્ય શિવમંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે.





Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com