ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે મેઅરાજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન રજબ માસની ૨૭ તારીખે શબે મેઅરાજ પર્વની ઉજવણી કરવામાં આવે છે. શબે મેઅરાજ પ્રસંગે મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે ઇશાની નમાઝ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. ઇશાની નમાઝ બાદ મોડી રાત્રી સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઇ વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી. સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે જીક્ર શરીફ અદા કરાવ્યું હતું. જિક્ર શરીફ બાદ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. જીક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, સેગવા, કહાન, ટંકારીયા, વલણ, માંકણ, ઇખર, મેસરાડ, કંબોલી વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા શબે મેરાજ પર્વની ઉજવણી કરાઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com