Geo Gujarat News

વાગરા: હનુમાન ચોકડી પાસે બાઈક અને મોપેડ ટકરાતાં ગંભીર અકસ્માત, એકનું મોત નિપજ્યું

વાગરાથી ભરૂચને જોડતાં માર્ગ પર ગતરાત્રીના હનુમાન ચોકડી પાસે એક બાઈક અને મોપેડ સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઇસમો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગતરાત્રીના વાગરાની હનુમાન ચોકડી નજીક પૂરપાટ આવતી બાઈક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. મોપેડ અને બાઇક બંને પર બે બે યુવાનો સવાર હતા. ચારેય યુવાનો ફંગોળાતા ઇજાગ્રસ્ત થયા હતા. તમામને પ્રાથમિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વાગરાનાં લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા તોકીર શબ્બીર રાજ નામનાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જો કે, રક્તસ્રાવનાં કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંપડી હતી. જો કે, યુવાનની ટુંકી સારવાર બાદ મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અન્ય 3 યુવાનો પૈકી એક યુવાન આસિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં હતી. જ્યારે આંકોટ ગામનાં 2 યુવાનોને વધુ ઈજાઓના પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણ સિંહ રાઠોડ, ઉં. વ. 15 આંકોટ તેમજ અન્ય એક યુવાનને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. વાગરા પોલીસે ઘટનાને પગલે તાબડતોડ તપાસ શરૂ કરી હતી.

યુવાનોમાં ટુ વ્હીલર ચલાવવાનો ક્રેઝ મોટી આફત નોંતરી રહ્યો છે
યુવાનોમાં ટુ વ્હીલર ચલાવવાનો ક્રેઝ મોટી આફત નોંતરી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, સગીર વયના યુવાનોમાં બાઈક અને મોપેડ ચલાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વાગરાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ ટ્યુશન કલાસ જતા લાયસન્સ અને પુખ્ત ઉંમરના ન હોય છતાં કાયદાઓને નેવે મૂકીને પૂરપાટ ગાડીઓ ચલાવતા હોય છે. યુવાનીમાં પ્રવેશતા બાળકો રિલ્સ બનાવવા સહિત ગેમિંગના રવાડે ચઢી એકબીજા સાથે રેસ પણ લગાવતા હોય છે. અને આ જ કારણે અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જાવા પામે છે. આવાં બાળકોના વાલીઓ તેમજ શાળા સંચાલકોએ નોંધ લઇને પુખ્ત વયની નીચેના બાળકોને બાઈક ચલાવતા અટકાવવા જોઈએ. જેથી આવી મોટી દુઘર્ટનાઓમાં જતાં જીવ બચાવી શકાય. એક સાથે 3 યુવાનોના જીવ જોખમાતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. ત્યારે વાગરા પોલીસ આ બાબતે નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે કાયદાનો કોરડો ઝીંકી જવાબદારીનું ભાન કરાવે તે પણ અત્યંત જરૂરી બન્યું છે.

વાલીઓ, શાળા સંચાલકો તેમજ પોલીસે નોંધ લઇને પુખ્ત વયની નીચેના બાળકોને બાઈક ચલાવતા અટકાવવા જોઈએ
વાલીઓ, શાળા સંચાલકો તેમજ પોલીસે નોંધ લઇને પુખ્ત વયની નીચેના બાળકોને બાઈક ચલાવતા અટકાવવા જોઈએ

નઈમ દિવાન – વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *