ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિશ્તીયા નગર ખાતે સૈયદ મોટા મિયા બાવા માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં નવ મુસ્લિમ સમાજના યુગલો તેમજ બે હિન્દુ સમાજના યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. જ્યારે હિંદુ અને મુસ્લિમ સમાજના યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા ત્યારે ચિશ્તીયા નગરની પવિત્ર ધરતી કોમી એકતાના દીપથી પ્રજવલ્લિત થઇ ઉઠી હતી. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવી હતી. ત્યારબાદ સલીમ સેગવવાલાએ ઉપસ્થિત અતિથીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ સખીદાતાઓની સાથે સાથે મીડિયા કર્મીઓનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. શિરહાન કડીવાલાએ સંસ્થા દ્વારા થઇ રહેલી સેવાકીય પ્રવૃતિઓ વિશે સુંદર ચિતાર રજૂ કર્યો હતો. સેવાકિય પ્રવૃત્તિઓ દરેક સમાજને મદદરૂપ થવા માટે વર્ષોથી મોટામિયા બાવા સાહેબના વડીલોથી ચાલતી આવી છે અને અવિરત ચાલતી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું.

સમારોહના મુખ્ય વક્તા ડૉ. મતાઉદ્દીન બાવા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દરેક સમાજને મદદરૂપ થઇ રહ્યું છે. ઉપસ્થિતોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. શેર રજુ કરતા તેઓએ જણાવ્યું હતું કે “યહી હૈ ઇબાદત જો વકત પર કામ આએ ઇન્સા કો ઈન્સા” આજે આપણે સૌ જેના માટે ઉપસ્થિત થયા છે તે નવ યુગલો માટે દુઆ કરવાની છે. તેઓનો સાંસારિક જીવન સુખમય અને સફળ નીવડે એ માટે દુઆઓ આપી હતી. નવ યુગલોના જીવનનો અધ્યાય છે એમ તેઓએ જણાવ્યું હતું. કપરા સંજોગોમાંથી પસાર થતા એટલા બધા પરિપકવ થઇ ગયા કે તેઓ ઘડાઇ ગયા. નવ યગલોને કહ્યું હતું કે ભૂતકાળને ભૂલી વર્તમાનને યાદ કરી તમારા જીવનને આગળ ધપાવજો એમ તેઓએ જણાવ્યું હતું. નિસ્વાર્થ ભાવનાથી કાર્ય કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. સમારોહને સફળ બનાવવા માટે યુવાનોની પ્રશંસા કરી હતી. સૌ ને મુબારક બાદી પાઠવી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ડભોઇ કડીવાળા ઘાંચી સમાજના યુવાનો તેમજ સખી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટ્રસ્ટને મદદરૂપ બનનાર સખી દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જ્યારે નવોઢાઓએ સજળ નયનો એ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.

નાઈમ દિવાન : વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com