Geo Gujarat News

અહો આશ્ચર્યમ : HDFC બેંકના ATM ની તસ્કરી, પંથકમાં મચ્યો હાહાકાર

વાગરાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના એચડીએફસી બેન્કનું આખે આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયાં હતાં. જોકે, પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ તુટેલી હાલતમાં મળી આવ્યું હતું.

વાગરા પોલીસે તપાસ શરૂ કરતાં ચોંકવાનારી વિગત બહાર આવી હતી. તસ્કરોએ પહેલાં દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં નાકામ રહેતાં વાગરામાં એટીએમ તોડ્યું હતું. પ્રાથમિક તબક્કે એટીએમમાં 3થી 4 લાખ રૂપિયા હોવાનું જણાવા મળી રહ્યું છે.

સમગ્ર ઘટનાની વિગત પર નજર કરીએ તો વાગરા તાલુકામાં આવેલા પિસાદ ગામની સીમમાંથી એક એટીએમ મશીન બ્રોકેજ હાલતમાં મળી આવ્યું છે. આ મશીન HDFC બેંકનું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વાગરા નગર વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં તસ્કરોની દહેશત ઉભી થઇ છે. સાયખા જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ બનવા પામી છે. લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરી તસ્કરો બિન્દાસ પણે એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે. પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયશિલ થયા છે. તેવામાં વાગરા પોલીસને પણ શર્મિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ HDFC બેંકના ATM મશીનને સ્વયંભૂ ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીય લોકોની ઊંઘ હરામ કરી છે. એટલું જ નહિ મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલ રોકડ ચાઉ કરીને મશીનને પીસાદ ગામની સીમમાં આવેલ ખેતરમાં ફેંકી દીધું હતું. જેની જાણ ખેતર માલિકને થતાં તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી દીધી છે. જો કે પોલીસની આ નાકામી સામે લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે. લોકો સુરક્ષા અને સેવાના પ્રતીક પોલીસ જવાનો પોતાના માલ મિલકતની હિફાજત કરે અને આવી ઘટનાઓ પર રોક લાગે તેમજ ચોરીની દહેશતથી છુટકારો મળે તેની વાટ જોઈ રહ્યા છે. હવે જોવું રહ્યું ચોરોને હાથકડીઓમાં પેરવી જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.

હાલમાં બેંકના અધિકારીઓ રૂપિયાની વિગત મેળવી રહ્યા છે

વાગરા પીએસઆઇ એ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે તુરંત અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરી છે. અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યાં છે. જેનું નિરીક્ષણ કરી તસ્કરોના પગેરૂ શોધવામાં આવશે. બેન્કના અધિકારીઓ હજી એટીએમમાં રહેલાં રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉપરાંત એટીએમના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસ ચાલુ છે

LCB- SOG ની ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ છે

તસ્કરોએ પહેલાં દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યાં બાદ ત્યાં નિષ્ફળ જતાં વાગરામાં એટીએમ તોડ્યું હોવાની ઘટનાથી તેઓ વિસ્તારથી વાકેફ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યાં હોઇ તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે. આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ વાગરા પોલીસ સહિત એલસીબી-એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યાં હોઇ તસ્કરોના સગડ વહેલી તકે મળી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


નઈમ દિવાન – વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *