વાગરા તાલુકામાં સ્થાપિત સાયખા ઔદ્યોગિક વસાહતમાં માટી નાખવાનો કોન્ટ્રાક્ટ મેળવી સરકારને ચૂનો ચોપડીને માટી ચોરો બેફામ ગેરકાયદેસર માટી ખનન કરતા ઝડપાય રહ્યા છે. ભરૂચ ખાણખનીજ વિભાગે મીનહાજ પટેલ નામના ઈસમને સવા બે લાખથી વધુનો દંડ ફટકારી કઠોર કાર્યવાહી કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
ખાણખનીજ વિભાગે માટી ભરેલ હાઈવા ટ્રકને ઝડપી વાગરા પોલીસને સોંપ્યો
ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ભરૂચના ચોલાદ ગામની સીમમાં લીઝ રાખી માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક હાઇવા નંબર GJ-16-AU- 6365 માં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદના આધારે ભરૂચ ખાણખનીજ વિભાગ દ્વારા હાઈવા ટ્રકને ઝડપી લઇ વાગરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.

સવા બે લાખ ઉપરાંતનો દંડ ફટકારી કઠોર કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો
ગાડીનો માલિક મિન્હાજ પટેલ હોવાનું સામે આવ્યું હતું. આ હાઈવામાં ગેરકાયદેસર રીતે માટી લોડ કરી રોયલ્ટી વિનાજ કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી. ખાણખનીજ વિભાગે કઠોર કાર્યવાહી કરી હાઈવા માલિક મિન્હાજ પટેલને બે 2 લાખ 25 હજાર 625 રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે. જેથી વિસ્તારમાં બિનઅધિકૃત લીઝ ખોદી માટી ચોરી કરતા ખનિજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાય જવા પામ્યો છે.


ઉલ્લેખનીય છે કે, વાગરા તાલુકામાં 3 જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થપાયા છે અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં પ્રિન્ટ લેવલ માટે માટીની જરૂર પડતી હોય ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ કંપની સંચાલકો અને ખનિજ માફીયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરી લાખોનો દંડ વસૂલ કર્યો છે. વર્તમનામાં પણ ખાણખનીજ હજુ તટસ્થતા પૂર્વક તપાસ કરે તો ઘણા ખનિજ માફીયાઓ માટી ચોરીમાં ઝડપાય શકે તેમ છે. મંજૂરી કરતા વધારે માટી ખોદી કાઢવી, ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું, રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવર્લોડ હાઇવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનિજ માફીયાઓ બેફામ ફાટી નીકળ્યા છે. જેમાં ખાણ ખનિજ વિભાગ, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે. હાલ તો મિન્હાજ પટેલ નામના ખનિજ ચોર વિરૂદ્ધ ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરી દાખલ બેસાડ્યો છે.

નઈમ દિવાન – વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com