Geo Gujarat News

વાગરા: કપડાંની દુકાનમાં લાગી આગ, દુકાનમાં રહેલ કપડાં, સિલાય મશીન સહિતનો માલ-સામાન બળીને ખાક

તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આજે ફરી આગની ઘટનાએ લોકોને હંફાવ્યા હતા.

દુકાનમાં રહેલ અંદાજીત 4 લાખનો સમાન સળગી ગયો

આજે સવારના સમયે વાગરા ડેપો વિસ્તારમાં આવેલ એક કપડાંની દુકાનમાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાન ભડકે બળી હતી. આગને પગલે આસપાસના દુકાનદારોમાં પણ ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના દુકાનદારો બનાવવાળી જગ્યાએ દોડી જઇ વિલાયત જીઆઇડીસી માં આવેલ એક કંપનીને આગ વિશે જાણ કરાતા ફાયર બંબા તબડોબ બનાવ વાળા સ્થળે પહોંચી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે સદર ઘટનામાં દુકાનમાં રહેલ કપડાં, સિલાય મશીન સહિતનો સામાન આગની ચપેટમાં આવી જતા લાખોનું નુકશાન થવા પામ્યું હતું.

વાગરા મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગયા

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા બસ ડેપોની સામે આવેલ એક કપડાંની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો. બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી ટેલરિંગનું કામ કરતા આમિર અલી ( બિહારી) જેઓ દુકાનમાં કપડાં સિવવાનું કામ કરે છે. આજરોજ સવારના અરસામાં વાગરા મામલતદાર મીનાબેન પટેલ જેઓ જોગિંગ કરવા માટે નીકળેલા હતા. ત્યાંથી પસાર થતા દુકાનમાંથી ધુમાડાના હોટેગોટા નીકળતા તેઓની નજર પડી હતી. તેઓએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આગ લાગયાની વાત વાયુ વેગે પંથકમાં પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને લોકો મદદમાં જોતરાય ગયા હતા. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી વીજ તંત્રને જાણ કરી સલામતીના ભાગરૂપે વીજપુરવઠો બંધ કરાવ્યો હતો. જોકે ફાયરબ્રિગેડ તેમજ સ્થાનિકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આગને પગલે દુકાનમાં રહેલ કાપડ, ગ્રાહકોના ઓર્ડરના સિવેલા કપડાં, સિલાય મશીન સહિતનો માલ-સામાન સળગી જતા દુકાન માલિકને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

તાલુકા મથક વાગરા ખાતે ફાયરસ્ટેશનની માંગ ઉઠી

ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાને કારણે ભૂતકાળમાં પણ અનેકો આગની ઘટનામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે-જ્યારે પણ વાગરા અથવા આસપાસના કોઈ ગામમાં આગની ઘટના બને છે. ત્યારે વિલાયત, સાયખા GIDC અથવા ગેલ કંપનીમાંથી ફાયરબ્રિગેડને બોલાવવાની નોબત આવે છે. અને ખરાબ રસ્તાઓના કારણે ફાયર ટેન્ડર સમય ઉપર બનાવવાળી જગ્યાએ પહોંચી શકતું નથી. જેને કારણે વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવામાં આવે જેથી આગની ઘટનાઓ વેળાએ કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *