વાગરા તાલુકાના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતાં એક પરપ્રાંતીય યુવાનનું મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દહેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લામાં છાશવારે ઔધોગિક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને અંકલેશ્વર અને દહેજ જેવા વિસ્તારમાં કોન્ટ્રાકટ હેઠળ કામગીરી કરતા કામદારોને પૂરતા સેફટીનાં સાધનો ન આપવાનાં કારણે અવાર નવાર અકસ્માત જેવી ઘટનામાં ક્યાંક કોઇ કામદારો ઈજાગ્રસ્ત થાય છે. તો ક્યાંક કોઇ કામદારો પોતાનો જીવ પણ ગુમાવતા હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેવામાં વધુ એક ઘટના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ GIDC વિસ્તારમાંથી સામે આવી છે.

બનાવ અંગે સૂત્રો થકી જાણવા મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મેઘમણી પાંચ કંપનીમાં કામ કરતો અને મૂળ મધ્ય પ્રદેશનાં કર્નોડી ગામનો વતની 25 વર્ષીય દિનેશસિંગ નામના આશાસ્પદ પરપ્રાંતિય ઈસમનો તેના રૂમ પાસેથીજ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સામે આવ્યા બાદ સાથી કામદારો અને કોન્ટ્રાકટર દ્વારા મામલા અંગેની જાણ દહેજ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી ગઇ હતી.

મરણ જનાર યુવકનું કયા કારણોસર મોત નિપજ્યું છે. તે કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના વડદલા ગામ સ્થિત રોયલ કોલોનીમાં મૂળ એમપીના 25 વર્ષીય દિનેશસિંગ રામકુશલ ગોડ પોતાના સંબધીઓ સાથે રહીને મેઘમણી કંપનીમાં નોકરી કરે છે.ગતરોજ તે પોતાના રોયલ કોલોનીમાં હાજર હતો.ત્યારે તેના સંબંધીએ તેને જમવા માટે કહેતા તેણે લેટ જમવાનું કહ્યું હતું.ત્યાર બાદ બધાં સુઈ ગયા હતાં. સવારે ઉઠીને તેઓએ જોતા દિનેશસિંગ તેના સ્થળ પર સૂતો નહિ મળતા તેઓએ તપાસ કરતાં તે ચોથા માળેથી નીચે પડેલો જોતા તેઓ નીચે દોડી આવ્યા હતાં. પરતું તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com