અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં 2 મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
રાષ્ટ્રીયપક્ષીના મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગે તપાસ શરૂ કરી હતી.

ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને 2 મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે. હાલ તો વનવિભાગના અધિકારી ભાવેશ મોભની નિગરાની હેઠળ મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લીત બનાવતો હોય છે, ત્યારે રાષ્ટ્રીયપક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com