- વિષ્ણુ ભગવાનના મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો..
- ધારાસભ્ય ડી.કે.સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા..
આમોદ તાલુકાના ઘમણાદ ગામે ગતરોજ વિષ્ણુ ભગવાનના મંદિરનો ૫૬ મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.પાટોત્સવ પ્રસંગે ગામ લોકો તેમજ દાતાઓના સહકારથી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું.વિષ્ણુ યાગ યજ્ઞમાં ૧૨ દંપતીઓએ ભાગ લીધો હતો.ઘમણાદ ગામના ભાસ્કર મહારાજ તથા અન્ય ભૂદેવોએ સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુયાગની વિધિ કરાવી હતી.

ઘમણાદ ગામે બ્રહ્મ સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વિષ્ણુ ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જે પ્રયાગદાસજી મહારાજે ઘમણાદ ગામે તપ કરી ગામને પાવન કર્યું હતું.ઘમણાદ ગામે ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુના ૫૬ માં પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય ડી.કે.સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકોને આશીર્વચન આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી.તેમજ ગામમાં ભગવાન કાર્ય હંમેશા થતાં રહે તેવી ખેવના વ્યક્તિ કરી હતી.આ ઉપરાંત ગુજરાત રાજ્યના માજી મંત્રી ખુમાનસિંહ વાસીયા, કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ,આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ,ગામના સરપંચ વિરાજસિંહ રાજ તેમજ આસપાસના ગામના સરપંચો, આગેવાનો તેમજ ભાઈઓ,બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાંજે છ કલાકે મહેમાનોના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.ત્યાર બાદ યજ્ઞમાં આવેલા દરેક ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com