- શેષ એન્વાયરો કંપની સુરક્ષાના નિયમો સાથે ખિલવાડ કરી રહી છે.?
- જોખમી કેમિકલ પરિવહનનાં નિયમોને નજર અંદાજ કરાઈ રહ્યા છે.?
- જોખમી કેમિકલ વેસ્ટની પ્રોસેસ કરતી કંપનીમાં નાના બળકો હોવાની વિગતો સપાટી પર આવી..
- જાગૃત નાગરિકે લેખિત ફરિયાદના માધ્યમથી તંત્રને ટકોર કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી..
વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત સોલિડ્સ હેઝાર્ડ્ઝ વેસ્ટની પ્રોસેસ કરતી શેષ એનવાયરો કંપનીના સંચાલકોની બેદરકારી સામે આવી છે. કંપની સંચાલકોની લાપરવાહીના કેટલાક નમૂના જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે. આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઇ રહ્યું છે. ત્યાં પાંચેક વર્ષની વય ધરાવતા બાળકો રમી રહ્યા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો.

શેષ એનવાયરો કંપની જોખમી રસાયણો ધરાવતી કંપની છે. અહીં સમાન્ય બેદરકારી પણ જાનલેવા બની શકે તેમ છે. કંપની સંકુલમાં ૪૦ થી ૫૦ ફૂટની ઊંચાઈએ સેફ્ટીના સાધનો વિના કામ કરતા કામદારોની તસવીરો પણ કેમેરામાં કંડારાઈ હતી. કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતા કામદારોએ સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ તેમજ સેફ્ટી સૂઝનો ઉપયોગ કરવાનો હોય છે. તેમજ નીચે નેટ બાંધવી પણ જરુરી હોય છે, જેથી સંભવિત દુર્ઘટના સમયે કામદારોનો બચાવ થાય ઉપરાંત શરતચુકથી કે અન્ય કોઇ રીતે કામ કરતા સમયે કામદારો નીચે પટકાય તો કોઇ જાનહાનિ થાય નહી,અથવા માથાના ભાગે ઇજા ન થાય. પરંતું શેષ એન્વાયરો કંપનીમાં ઊંચાઈના ભાગે કોઇપણ પ્રકારની સેફ્ટી વિના કામ કામદારો કામ કરતા હોઇ કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી.

આ ઉપરાંત કંપનીમાં વેસ્ટ લઇને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા પર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિધ્ધ થઇ હતી. આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને બે નોટિસ આપેલ હોવાનું પણ આધાર ભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે. તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનો LPG ગેસનો સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યો હોવાનું તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે, અથવા તો વેલ્ડિંગ નું કાર્ય દરમિયાન જો એક તણખલો પણ બોટલ ની લાગી જાય તો અંદર રહેલ નાના બાળકોના અને કર્મચારીઓ નાં જાન સામે ન ક્લ્પી શકાય તેવું જોખમ ઊભું થાય એ વાત નકારી શકાય તેમ નથી.

શેષ એન્વાયરો કંપનીનાં હદ વિસ્તારની બહારનાં ભાગે અંદરનાં ભાગેથી ખોદવામાં આવેલ માટીનાં ઊંચા-ઊંચા પર્વતો બનાવી છેલ્લાં 2 વર્ષથી માટીનું ગેરકાયદેસર સ્ટોરેજ પણ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તદુપરાંત કંપની સંચાલક દ્વારા નજદીકી વિસ્તારનાં આગેવાનો અને બુદ્ધિ જીવી વર્ગના લોકોને ગેરમાર્ગે દોરવાના ભાગરૂપે તેમની આ કંપનીમાં સરકારશ્રીનાં મોટા-મોટાં કેબિનેટ મંત્રીનાં અર્ધ ભાગ છે, અને તેમની કંપનીને કાંઈ પણ નહિ થાય તેવાં પ્રકારની હવાબાજીની વાટો કરી ન્યાયની માંગણી કરનાર આગેવાનોને ડામવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરાયો હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠી હતી.

જોકે આ અંગે “સેવા સમાજ સેના” ભરૂચ જિલ્લાનાં જનરલ સેક્રેટરી અને યુવા સામાજિક આગેવાન દ્વારા વાગરા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ અગેની તપાસ કરવાની જે અધિકારી કે ખાતાની જવાબદારી હોય તેઓ આંખમીંચામણા કરે અને કોઇ ભયાનક હોનારત સર્જાય ત્યારે કંપની અને ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય તેવી સ્થિતિ ન સર્જાય તે માટે લાગતા વળગતા તંત્રએ અચૂક ધ્યાન દઈ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com