ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવા તથા સશક્તિકરણનાં હેતુસર જીલ્લા વિકાસ અધિકારીની કચેરી, શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા, જીલ્લા પંચાયત ભરૂચ, અને જી.એન.એફ.સી NARDES નાં સંયુક્ત ઉપક્રમે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું.જેમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતાં ૯૦૪ બાળકોને તેઓની ક્ષતિ અનુસાર જરૂરિયાત મુજબનાં ૧૨૨૭ સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે જે પૈકી આજરોજ ૨૨૯ દિવ્યાંગ બાળકોને તેઓની ક્ષતિ અનુસાર જરૂરિયાત મુજબનાં ૨૭૨ સાધનોનું વિતરણ મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું. બાકીના સાધનો તાલુકા કક્ષાએથી વિતરણ કરવામાં આવનાર છે.

શારીરીક હલનચલનની દિવ્યાંગતા, બહુદિવ્યાંગતા, સેરેબ્રલ પલ્સી જેવી દિવ્યાંગતા ધરાવતાં બાળકોને વ્હીલચેર, સી.પી.ચેર, રોલેટર, ટ્રાઈસીકલ, સી.પી.વોકર, સી.પી. સ્ટેન્ડિંગ બોર્ડ, ક્રચિસ, ગરદનનાં સપોર્ટ માટે કૌલર, એલ્બો સપોર્ટ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું. આ સાધનનાં ઉપયોગથી બાળકો સ્વતંત્રપણે મુક્ત જીવનમાં હલનચલન કરી શકવા સક્ષમ બનશે. તદઉપરાંત તેઓ પોતાનું દૈનિક જીવન અવરોધ વિના સરળતાથી નિર્વાહ કરી શકશે. સંપૂર્ણ અંધ તથા અલ્પદ્રષ્ટિ જેવી દિવ્યાંગતા ધરાવતાં બાળકોને જરૂરિયાત મુજબ સ્માર્ટ કેન- મોબિલિટિ કૌશલ્યનાં વિકાસ માટે, બ્રેલ કીટ- સંપૂર્ણ અંધ બાળકોને ભાષા કૌશલ્યનાં વિકાસ માટે, ડેઇઝીપ્લેયર- શ્રવણ કૌશલ્યનાં વિકાસ માટે, ઓરબીટ રીડર- બ્રેલ મૂળાક્ષરોનાં લેખન કૌશલ્યનાં વિકાસ માટે, લો-વિઝન કીટ- અલ્પદ્રષ્ટિ બાળકોનાં વાંચન,લેખન અને ગણન કૌશલ્યનાં વિકાસ માટે વિતરણ કરવામાં આવ્યું. વાણીની ખામી તથા શ્રવણમંદતા જેવી દિવ્યાંગતા ધરાવતાં બાળકોને સ્પીચ ટ્રેનિંગ કીટ-વાણીની ખામી ધરાવતાં બાળકોને કથન કૌશલ્યનાં વિકાસ માટે, હીયરીંગ એઇડ (BTE)- શ્રવણક્ષતિ ધરાવતાં બાળકોને સાંભળવામાં ઉપયોગી થાય છે. ઓટિઝમ, બૌદ્ધિક અક્ષમ બાળકોને એજયુકેશનલ કીટ- જ્ઞાનાત્મક કૌશલ્યનાં વિકાસ માટે, એ.ડી.એલ કીટ- દૈનિક જીવનનાં કૌશલ્યનાં વિકાસ માટે વિતરણ કરવામાં આવ્યું.જી.એન.એફ.સી NARDES તરફથી કરવામાં આવેલ આ ઉમદા કાર્ય દિવ્યાગ બાળકોનાં જીવનમાં પ્રકાશનું સંચાર કરી બાળકોને સ્વતંત્રપણે જીવન જીવવા પ્રરિત કરશે જે બદલ ભરૂચ જીલ્લા વહિવટી તંત્ર તરફથી હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરા, જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જીલ્લા આઇઇડી કો- ઓર્ડિનેટર શ્રીમતિ ચૈતાલી પટેલ, જી.એન.એફ.સી NARDES નાં અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com