
નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રહેતા નરેશભાઇ શંકરભાઇ વસાવાની દિકરીની સગાઇ નેત્રંગ ખાતે રહેતા વિપુલભાઇ વસાવા નામના યુવક સાથે કરેલ છે. વિપુલભાઇ તેમની મોટરસાયકલ લઇને ઘણીવાર સાસરીના ગામ કેલ્વીકુવા ખાતે આવતા હતા. નરેશભાઇના પુત્ર ગૌરવને મોટરસાયકલ ચલાવતા આવડતી હોઇ તે ઘણીવાર તેના બનેવી વિપુલભાઇની મોટરસાયકલ લઇને ફરવા જતો હતો.

દરમિયાન ગતરોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં વિપુલભાઇ તેમની મોટરસાયકલ લઇને સાસરીમાં કેલ્વીકુવા ગામે આવ્યા હતા.ત્યારબાદ નરેશભાઇ જમાઇ સાથે થોડીવાર બેસીને કોઇ કામ માટે મોવી ગામે ગયા હતા. મોવી ખાતે કામ પુરૂ કરીને તેઓ પાછા આવ્યા ત્યારે તેમને ખબર મળી હતી કે તેમના જમાઇની મોટરસાયકલ લઇને બહાર ગયેલ તેમના પુત્ર ગૌરવને કંબોડીયા ગામ નજીક અકસ્માત થયેલ છે. તેમણે ઘટના સ્થળે જઇને જોતા નેત્રંગ માંડવી રોડ પર કંબોડીયા ગામ નજીક એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે ગૌરવની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ગૌરવને માથામાં ઇજા થતા તેનું માથુ ફાટી ગયું હતું.ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ૧૯ વર્ષીય ગૌરવનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના પિતા નરેશભાઇ શંકરભાઇ વસાવા રહે.નવી વસાહત,ગામ કેલ્વીકુવા,તા.નેત્રંગ,જિ.ભરૂચનાએ નેત્રંગ પોલીસમાં અકસ્માત સર્જી ઘટના સ્થળે પોતાનું વાહન મુકી નાશી ગયેલ બોલેરો પીક અપ ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com