સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે રાત્રે બની હતી. જેમાં એક નિવૃત આર્મી મેને પોતાનાજ પરિવારના 5 સભ્યોની હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં 65 વર્ષીય માતા સરોપી દેવી, 35 વર્ષીય ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા જેની ઉંમર32 વર્ષ, પુત્રી યાશિકા જેની ઉંમર 5 વર્ષ તેમજ 6 મહિનાના પુત્ર મયંકની હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણકારી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આરોપીનું નામ ભૂષણ કુમાર છે. અને તેણે પહેલા મોડી રાત્રે તેના ભાઈ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેણે એક પછી એક આખા પરિવારને મોતને ઘાટ ઉતાર્યો હતો. તદુપરાંત આરોપીએ મૃતદેહોને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો ભૂષણે તેના પિતા અને ભાઈ હરીશની મોટી પુત્રી ઉપર પણ હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું, કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે, કે બંને ભાઈઓ વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. નારાયણગઢના રતૌરમાં જમીનનો એક ટુકડો હતો. જેના પર બંનેએ દાવો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. આરોપી ભૂષણ કુમાર હાલ ફરાર છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવશે. જોકે એકજ પરિવારના 5 સભ્યોની હત્યાને પગલે આખું ગામ હિબકે ચઢ્યું હતું. અને ગામમાં ગમગીની ફેલાઈ હતી. જોકે પોલીસ આરોપીને ઝડપી પાડવાની દિશામાં કામ કરી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com