Geo Gujarat News

ઝઘડિયા: રાજપારડી ગામે રહેતી શિક્ષિકાનું સૌરાષ્ટ્ર ખાતે રહેતા પીયરીયા દ્વારા અપહરણ કરાતા ચકચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રહેતી અને નજીકના એક ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને સૌરાષ્ટ્ર ખાતે રહેતા તેના પીયરીયા દ્વારા અપહરણ કરીને લઇ જવાતા યુવતીના પતિએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી નજીકના એક ગામે શિક્ષિકા તરીકે નોકરી કરતી મુળ સૌરાષ્ટ્રની એક યુવતીને રાજપારડી ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા ગત તા.૨૪ મી માર્ચ ૨૦૨૪ નારોજ બન્નેએ ઝઘડિયા ખાતે લગ્ન કર્યા હતા, અને ત્યારબાદ તેઓ બન્ને રાજીખુશીથી રાજપારડી ખાતે રહેતા હતા. દરમિયાન ગતરોજ તા.૨૨ મીના રોજ શિક્ષિકા તેની સાથે નોકરી કરતી અન્ય શિક્ષિકા સાથે તેમની ગાડીમાં બેસીને નોકરીએ ગઇ હતી. ત્યારબાદ સવારના સાડા દસ આસપાસના સમયે ભરૂચ ગયેલ તેના પતિ પર તેની શિક્ષિકા પત્નીનો ફોન આવ્યો હતો. અને તે ગભરાયેલી હાલતમાં કહેતી હતી, કે મારા પપ્પા ભાઇ તેમજ બીજા માણસો ગાડી લઇને આવ્યા છે,અને મને લઇ જાય છે,મને બચાવો. આમ કહેતા તેનો ફોન બંધ થઇ ગયો હતો. ત્યારબાદ શિક્ષિકા જેની ગાડીમાં બેસીને નોકરીએ જવા નીકળી હતી તે શિક્ષિકાને યુવકે ફોન કરતા જાણવા મળેલ કે તે લોકો જઇ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં એક ફોર વ્હિલ ગાડી આવીને અમારી ગાડીની આગળ આવીને આડી ઉભી રહી ગઇ હતી,જેથી અમે લોકો ગભરાઇ હતા.

એ ગાડીની નંબર પ્લેટ પર કાદવ લાગેલ હોઇ નંબર જણાયેલ નહિ. ત્યારબાદ બીજી એક ફોર વ્હિલ ગાડી પણ શિક્ષિકાઓ બેસેલ તે ગાડીની પાછળ આવીને ઉભી રહી ગયેલ,તે ગાડીનો નંબર જોઇ શકાયો હતો. ત્યારબાદ પાછળની ગાડીમાંથી ત્રણ ઇસમો તેમજ આગળની ગાડીમાંથી બે ઇસમો નીચે ઉતર્યા હતા. આ લોકોમાંથી સદર શિક્ષિકાના પિતાને સાથી શિક્ષિકાએ ઓળખી લીધા હતા. શિક્ષિકાના પિતાએ સળિયાથી ગાડીના કાચ તોડી નાંખીને તેણીને ગાડીમાંથી બહાર ખેંચી કાઢીને બળજબરીથી તેમની ગાડીમાં બેસાડી દેતા શિક્ષિકાએ બચાવો બચાવો એમ બુમો પાડી હતી. ત્યારબાદ તે લોકો બન્ને ગાડીઓ લઇને ત્યાંથી જતા રહ્યા હતા.

શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીએ રાજપારડીના યુવક સાથે કરેલ પ્રેમલગ્ન તેના પરિવારને પસંદ ન હતું.!!

અપહરણ કરવામાં આવેલ શિક્ષિકાના પતિ બિમલશરણ પટેલે રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદમાં આ બનાવનું કારણ જણાવ્યા મુજબ તેમણે શિક્ષિકા સાથે એકબીજાની રાજીખુશીથી કરેલ પ્રેમલગ્ન શિક્ષિકાના પીયરીયાઓને પસંદ ન હોવાથી શિક્ષિકાના પિતા તથા તેમનો દિકરો તેમજ તેમની સાથે આવેલ અન્ય એક ઇસમ અને બીજા ઇસમો દ્વારા પુર્વઆયોજિત કાવતરું રચીને સદર શિક્ષિકાનું અપહરણ કરી ગયા હતા. રાજપારડી પોલીસે શિક્ષિકાના પતિની ફરિયાદ મુજબ તેમની શિક્ષિકા પત્નિનું અપહરણ કરવાના ગુના હેઠળ શિક્ષિકાના પિતા, ભાઇ તથા અન્ય 3 ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *