Geo Gujarat News

ભરૂચ: પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરીકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટરને આવેદન પાઠવાયું

ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35 થી વધુ વીડિયો વાયરલ થયા હતા.આ વાયરલ વીડિયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતાં અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખે આખી જન્મ કુંડળી મેળવવામાં આવી હતી. ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજરોજ ભરૂચ જિલ્લાનાં પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી હતી.

આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોડીઆ સામે થયેલી ફરીયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માગ કરવામાં આવી હતી.

અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્વ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વીડિયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્વ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મ કુંડળી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા, ગૌતમ ડોડીઆ અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવાયા હતાં. એટલે થી નહીં અટકતા પોલીસ તંત્રની આવી નિતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ ડોડીઆને ચાર વખત નોટીસ મોકલવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટરને આવેદન પાઠવાયું..

આ અંગે પત્રકાર ગૌતમ ડોડીઆ દ્વારા 3 ઓગષ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યકત કરી હતી.તેમની આ આશંકા વચ્ચે 5 ઓગષ્ટના રોજ એ ડીવીઝન પોલીસ મથકમાં તેમની વિરૂદ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અને ફરિયાદીના લોકેશન, પાંચબત્તીથી કલામંદિર સુધીનાં રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફુટેજ, જ્યાં બનાવ બન્યા તે જગ્યાએ આવેલ રીલાયન્સ મોલ અને આઈસીઆઈસીઆઈ બેંકના સીસીટીવી ફુટેજ તેમજ બેંક પાસે આવેલા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સરકારી કેમેરાનાં સીસીટીવી ફુટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે તેમની તપાસ કરવામાં આવે.

પત્રકાર ગૌતમ ડોડીઆ સામે થયેલી ફરીયાદમાં કાવતરાની આશંકા, તલસ્પર્શી તપાસ જરૂરી..

આ ઉપરાંત પોલીસ તંત્રમાં યેનકેન પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી અમારી માંગ કરાઈ હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *