જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તા.11 થી તા.19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 થી 5:30 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે, અયોધ્યાનગર, લિંક રોડ, ભરૂચ ખાતે પૂ.સંત શ્રી ભૃગેષભાઈ જોષી(મહુવાવાળા) ના શ્રીમુખે યોજાનાર શ્રી શિવ મહાપુરાણની કથા નિમિત્તે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અયોધ્યાનગર ખાતે રહેતા ભાવનાબેન પટેલના ઘરેથી કથા સ્થળ સુધી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ઢોલ-નગારા અને કરતાલ સાથે શિવજીનું ભજન-કીર્તન કરતાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહથી પોથીયાત્રામાં જોડાયા હતા.

પ્રથમ દિવસની કથાની શરૂઆત સત્યમ, શિવમ અને સુંદરમના ત્રણ શબ્દોથી કરી હતી અને આ ત્રણ શબ્દોનું મહત્ત્વ સમજાવતાં કથાકાર શ્રી ભ્રુગેષભાઈ જોષીએ જણાવ્યું હતું કે જ્યાં સત્ય હશે ત્યાં જ કલ્યાણ હશે અને જ્યાં કલ્યાણ હશે ત્યાં જ સુંદરતા હશે. ત્યારબાદ નર્મદાષ્ટકમના પ્રથમ શ્લોક દ્વારા માં નર્મદાનું આવાહન કરતાં માં નર્મદાનું મહત્ત્વ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા એટલે એક બિંદુમાં સિંધુ સમાયો છે તેનું નામ નર્મદા.ત્યારબાદ તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર કૈલાશ ગુરુકુલમમાં સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ કથાના પાંચમાં દિવસે ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવશે તો તેનો પણ લાભ લેવા માટે ભક્તોને નિવેદન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસની કથામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજર રહીને શ્રી શિવ મહાપુરાણ ગ્રંથનું પૂજન, અર્ચન, દર્શન, ભજન-કીર્તન, કથા શ્રવણ, આરતી અને પ્રસાદી અને પ્રદક્ષિણાનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. કોઈક કારણોસર આ કથામાં પ્રત્યક્ષ જઈ ન શકનાર શિવભક્તો માટે સમગ્ર કથાનું જીવંત પ્રસારણ શ્રી ભૃગેષભાઈ જોષી ઓફિસિયલ યુ ટ્યુબ ચેનલ અને કર્તવ્ય ચેનલ પરથી કરવામાં આવશે તો તેનો પણ ઘરે બેઠાં લાભ લેવા માટે શિવભક્તોને અનુરોધ કરવામાં આવે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com