જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તા.19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 થી 5:30 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે, અયોધ્યાનગર, લિંક રોડ, ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી ભ્રુગેષભાઈ જોષીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલાં કૈલાશ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની ૩૧ કિલો ચાંદીની જલાહારી (થાળા) માં મુકવામાં આવશે. સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને એ બરફના થર પર થર થતાં જાય છે અને ઘણાં વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું થર (પારદર્શક પત્થર) સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતાં શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે. શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા-પિત્તળના થાળામાં મુકી શકાય છે.

આ શિવલિંગને ચાંદીના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે.આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરમાં મુકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતાં હોય છે.શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે છે.આગમી તા.19 ને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના 10 થી 12 વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગા જળ, નર્મદા જળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે, જેનો પણ શિવભક્તોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com