ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉડિયા સમાજના લોકોએ પવિત્ર નર્મદા નદીના જળથી ભરેલા 108 કળશો વડે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને સ્નાન કરાવ્યું હતું. આ પરંપરા ઓડિશાના પુરી જગન્નાથ મંદિરની છે. 22 જૂને પુરીમાં દેવસ્નાન પૂર્ણિમાની ઉજવણી થશે. આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હોવાથી તેમને સ્નાન કરાવવામાં આવે છે. વર્ષમાં માત્ર એક જ વાર આ વિધિ થાય છે. પરંપરા મુજબ સ્નાન વિધિ બાદ ભગવાન જગન્નાથને તાવ આવે છે. તેથી આગામી 15 દિવસ સુધી તેઓ ભક્તોને દર્શન આપતા નથી. આ સમયગાળા દરમિયાન તેમના ભક્ત ભગવાન આલરનાથ દર્શન આપે છે. રથયાત્રાના બે દિવસ પહેલા ગર્ભગૃહ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. ભરૂચના મંદિરમાં પણ આ પરંપરા જાળવવામાં આવી છે. સ્નાન વિધિ બાદ 15 દિવસ સુધી દર્શન બંધ રહેશે. ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન રથયાત્રામાં નગરજનોને દર્શન આપશે.