ચોમાસાની શરૂઆત થતાં જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં માર્ગોની દયનીય હાલત સામે આવી છે. ડામર ઉખડી જતા માર્ગો પર ઊંડા ખાડાઓ સર્જાતા વાહનચાલકો માટે જીવલેણ સ્થિતિ ઊભી થઈ છે. વાહન દુર્ઘટનાની ભીંતિ વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોનો ગુસ્સો ફાટી પડ્યો છે.
તંત્ર કે રાજકીય નેતાઓએ કોઈ ઉકેલ ન આપ્યો હોય તેવા સંજોગોમાં નાગરિકોએ પોતે જ ખાડાઓ ભરવાની કામગીરી હાથ ધરી છે. પિરામણ રેલ્વે અંડરપાસથી નેશનલ હાઇવે તરફના માર્ગ પર સ્થાનિકો દ્વારા મટીરિયલ ભરખંચી પોતે જ ખાડા પુરતા જોવા મળ્યા, જેના વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા છે.
સ્થાનિક લોકોએ “શરમ કરો નેતાઓ… હવે રસ્તાઓ પણ નાગરિકો પુરે છે!” જેવી ભાવનાવશ પોકાર સાથે તંત્ર સામે ઘેરા પ્રશ્નો ઊભા કર્યા છે. ઘણા નાગરિકોનું માનવું છે કે “હવે રસ્તા રાજકીય વચનોથી નહીં, પરંતુ નાગરિકોના પરિશ્રમથી જ સુધરશે.”
માત્ર અંકલેશ્વર જ નહીં, પણ ઝઘડિયા તાલુકાના સરસા ગામે વિદ્યાર્થીઓએ પોતે ખાડો ભરી સમાજમાં જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગો પણ ખરાબ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં રાજકીય પક્ષો હજી આવેદનપત્રો કે પ્રેસ કોન્ફરન્સ સુધી મર્યાદિત છે, ત્યાં નાગરિકો રોડ પર ઊતરી સીધી કામગીરી કરી રહ્યા છે. એક પ્રકારના મૌન વિરોધ રૂપે નાગરિકો તંત્રને સંદેશ આપી રહ્યા છે – “હવે સામાન્ય નાગરિક ચૂપ નહીં બેસે!”
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com