’જ્ઞાન ગંગા’ અને ‘પ્રેરણાનું ઝરણું’ કાર્યક્રમથી બાળકોમાં નવો ઉત્સાહ, સાહોલ શાળાનું ઉદાહરણરૂપ પગલું. : ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ, હાંસોટ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળામાં તારીખ ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ ને શનિવારના રોજ ‘બેગલેસ ડે’ની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ, શિક્ષકમિત્રોના સહયોગથી ‘જ્ઞાન ગંગા અને પ્રેરણાનું ઝરણું’ થીમ પર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પુસ્તકીયા જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યવહારિક અને રસપ્રદ માહિતી પૂરી પાડવાનો હતો. આ દિવસે શાળાના બાળકોએ બેગ વગર આવીને શિક્ષણનો એક નવો અનુભવ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓને “મારો પરિચય” વિષય પર રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી. જ્યારે, ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના જિલ્લાઓ, ગામો અને મુખ્ય શહેરો વિશે વિસ્તૃત માહિતી આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પૂરી પાડી હતી.
રવીન્દ્રનાથ ટાગોરનું જીવનચરિત્ર અને ઈન્ટરનેટનું જ્ઞાન, સાહોલ શાળાનો બેગલેસ ડે શૈક્ષણિક બન્યો. : આ ઉપરાંત, શિક્ષક જનકભાઈ પટેલે ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રસિદ્ધ કવિ અને લેખક રવીન્દ્રનાથ ટાગોરના જીવન ચરિત્ર વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. આધુનિક યુગના મહત્વપૂર્ણ વિષય એવા ઈન્ટરનેટ વિશે ઉપયોગી માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી. શાળા પરિવારે સાથે મળીને આ બેગલેસ ડેને સફળ બનાવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓને પુસ્તકોના ભાર વગર જ્ઞાન મેળવવાની તક મળી હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સમગ્ર કાર્યક્રમને ટીમવર્કથી સફળ બનાવ્યા બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના નવતર પ્રયોગો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.
ઇસુબ દિવાન, હાંસોટ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com