ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમોદ નગરમાં ગણેશજીના વધામણાનો માહોલ જામી ગયો છે. શનિવારે રાત્રે આમોદના યુવક મંડળો દ્વારા વિઘ્નહર્તાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડી.જે., થ્રીડી લાઈટોનો ઝગમગાટ અને શાનદાર આતશબાજી જોવા મળી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશજીની આગમન યાત્રાનો ટ્રેન્ડ યુવાનોમાં વધતો જાય છે, અને આમોદ પણ તેમાં પાછળ નથી. આમોદના રાણા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા આયોજિત આ યાત્રા શહેરના ચાર રસ્તાથી શરૂ થઈને તિલક મેદાન સુધી પહોંચી હતી.
યાત્રા દરમિયાન યુવાનો અને યુવતીઓ ડી.જે.ના તાલે ગરબે રમ્યા અને ગણેશજીના વધામણા કર્યા. આગમન યાત્રાનું મુખ્ય આકર્ષણ ગણેશજી પર થયેલી વિશેષ રોશની અને લાઈટોનો ઝગમગાટ હતો, જેના કારણે શ્રીજીની પ્રતિમા વધુ ભવ્ય લાગી રહી હતી. આ અદ્ભુત દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. લોકોએ ઉમળકાભેર શ્રીજીનું સ્વાગત કર્યું અને આગામી ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રાએ સમગ્ર નગરમાં એક ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું કર્યું છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com