Geo Gujarat News

વાગરામાં ઇદે મિલાદની ભવ્ય ઉજવણી, જુમ્મા મસ્જિદથી ભવ્ય ઝુલૂસનું પ્રસ્થાન, ધાર્મિક નારા અને નાત શરીફનું પઠન, વરસાદી માહોલ વચ્ચે પણ ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહાસાગર!

આખરી પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની વાગરામાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી જુમ્મા મસ્જિદ ખાતેથી નીકળતા ઝુલૂસનો સમય બદલીને જુમ્માની નમાઝ બાદ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સવારમાં પણ નાનાં ઝુલૂસ જોવા મળ્યા હતા. બપોર બાદ જુમ્મા મસ્જિદથી એક ભવ્ય ઝુલૂસનું પ્રસ્થાન થયું હતું.આ ઝુલૂસ પટેલ ખડકી, ચીમન ચોક, મેઈન બજાર, ડેપો સર્કલ થઈને પરત જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું. આ ઝુલૂસમાં બાળકોથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. સૌએ ધાર્મિક લિબાસ પહેરી હાથમાં ધાર્મિક ઝંડાઓ પકડ્યા હતા. ઝુલૂસ દરમિયાન શ્રદ્ધાળુઓએ ધાર્મિક નારાઓ લગાવ્યા અને નાત શરીફનું પઠન કર્યું હતું. જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરસાદી વિઘ્નો છતાં લોકોનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હોતો.ભરૂચ જિલ્લાભરમાં પણ ઇદે મિલાદની શાનદાર ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વાગરામાં ઠેર-ઠેર શરબત, દૂધ, કોલ્ડ્રિંક્સ, કેક અને ચોકલેટ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝુલૂસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વાગરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ ઉપરાંત, વાગરાની જુમ્મા મસ્જિદ અને અલ મદીના મસ્જિદ સહિત વિવિધ સ્થળોએ પાક મુએ મુબારકની જિયારત પણ કરાવવામાં આવી હતી. આમ વરસાદી માહોલ હોવા છતાં વાગરામાં ઇદે મિલાદના પર્વની ઉજવણીએ ભાઈચારા અને કોમી એખલાસનો અનોખો સંદેશો આપ્યો હતો.વાગરાના વાંટા હોલ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા દાવતે આમ નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. આયોજકો દ્વારા સૌને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. જેનો ઉપસ્થિત રહેલા તમામ લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. આ પ્રસંગે ભાઈચારા અને કોમી એખલાસનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. જ્યાં સૌએ એકસાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું અને ધાર્મિક લાગણીઓને વ્યક્ત કરી હતી. આ આયોજન સમાજમાં એકતા અને સદ્ભાવનાને વધુ મજબૂત બનાવનારો પૂરવાર થયો.ઇદે મિલાદ જેને ઇદ-એ-મિલાદુન્નબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસ્લામ ધર્મના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ પયગંબરના જીવન ઉપદેશો અને કાર્યોને યાદ કરવાનો અને તેમના સંદેશાઓને અનુસરવાનો છે. ઇદે મિલાદ મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. હજરત મોહમ્મદ પયગંબરના જન્મની ચોક્કસ તારીખ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. પરંતુ મોટાભાગના મુસ્લિમો ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિના રબીઉલ અવ્વલ ની ૧૨મી તારીખે આ તહેવાર ઉજવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પયગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) દ્વારા આપવામાં આવેલા શાંતિ, પ્રેમ, ભાઈચારો અને માનવતાના સંદેશાઓને પુનર્જીવિત કરવાનો છે.ઇદે મિલાદનું મહત્વ: આ દિવસે મુસ્લિમો પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) ના જીવન, તેમના સંઘર્ષો અને માનવતા માટેના તેમના યોગદાનને યાદ કરે છે. તેમનું જીવન નૈતિકતા, કરુણા અને દયાનું ઉત્તમ ઉદાહરણ છે.આ તહેવાર લોકોને સત્ય, ન્યાય અને પરસ્પર સન્માનના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. પયગંબરે સમાજમાં ફેલાયેલી બદીઓ અને અન્યાયને દૂર કરીને સદ્ભાવનાનું વાતાવરણ ઊભું કર્યું હતું.ઇદે મિલાદ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પ્રવચનો અને નાત-શરીફનું આયોજન કરવામાં આવે છે, જેમાં પયગંબરના ગુણો અને જીવનના પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે.આ દિવસે મુસ્લિમો એકઠા થઈને નિયાઝનું વિતરણ કરે છે, ગરીબોને મદદ કરે છે. અને ઝુલૂસ કાઢે છે. આ પ્રવૃત્તિઓ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે.ટૂંકમાં ઇદે મિલાદ માત્ર એક જન્મદિવસની ઉજવણી નથી, પરંતુ પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ના ઉપદેશોને જીવનમાં ઉતારવા અને સમાજમાં શાંતિ તથા સદ્ભાવના ફેલાવવાની એક તક છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *