વાગરા નગરમાં સ્થાપિત થયેલી ૧૫ જેટલી ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન આજે ભક્તિ અને ઉમંગભેર કરવામાં આવ્યું હતું. ડી.જેના તાલે અને વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રા વાગરાના વિવિધ વિસ્તારોમાંથી નીકળીને ચીમન ચોક ખાતે એકત્ર થઈ હતી. ત્યાંથી બજાર વિસ્તાર, પટેલ ખડકી થઈને ફરી ચીમન ચોક અને અંતે બસ ડેપો પાસે આવેલા મોટા તળાવ ખાતે પહોંચી હતી. આ યાત્રા દરમિયાન, ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
પરંપરાગત નૃત્ય અને ગરબાનું આયોજન : યાત્રામાં ભરવાડ સમાજના લોકોએ પરંપરાગત ડાંગ નૃત્ય રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત ભક્તિ ગીતોના તાલે યુવાનો, બાળકો અને મહિલાઓએ ગરબા રમીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ફિલ્મી ગીતોના સંગીત પર ઘણા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર વિસર્જન યાત્રાનો આનંદ માણ્યો હતો.
વાગરા પોલીસનો સઘન બંદોબસ્ત : આ સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી ફુલતરિયા અને તેમની ટીમે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસના સહયોગથી સમગ્ર કાર્યક્રમ કોઈ પણ વિઘ્ન વિના સંપન્ન થયો હતો. પૂજા અર્ચના બાદ ભારે હૈયે ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com