આમોદ નગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની બહેનો અને યુવતીઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા માટે બચ્ચોકા ઘર આમોદ સંચાલિત મેહફુઝા ઝેડ. હકિમ સિલાઈ ક્લાસનો પ્રમાણપત્ર વિતરણ સમારોહ ઉત્સાહભેર અને ગૌરવસભર વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી, ત્યારબાદ ફૂલવર્ષા દ્વારા તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિલાઈ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ૮૮ વિદ્યાર્થિનીઓને સિલાઈ ક્લાસના તેમજ ૨૩ વિદ્યાર્થિનીઓને મેહંદી ક્લાસના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

પ્રમાણપત્ર સ્વીકારતી વેળાએ બહેનો અને યુવતીઓના ચહેરા પર આત્મવિશ્વાસ, સંતોષ અને સફળતાની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. આ તાલીમ તેમના માટે માત્ર પ્રમાણપત્ર નહીં પરંતુ ભવિષ્યમાં રોજગાર તરફ આગળ વધવાનો માર્ગ બની હોવાનું પણ જણાયું હતું.

બચ્ચોકા ઘર આમોદ દ્વારા સંચાલિત આ તાલીમ કેન્દ્રમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓને વ્યાવસાયિક કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવી રહી છે. સંસ્થાના મુહતમિમ બસીર રાણા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની બહેનોને પગભર બનાવવાનો સંસ્થાનો મુખ્ય હેતુ છે અને આવનારા સમયમાં પણ આવા તાલીમલક્ષી કાર્યક્રમો વધુ વિસ્તૃત રૂપે શરૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે સરકારની સ્કિલ ઇન્ડિયા યોજના અંતર્ગત મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે અને બચ્ચોકા ઘર આમોદ આ દિશામાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. કાર્યક્રમના પ્રમુખ તરીકે યુ.કે.થી પધારેલા મુમતાજબેને બહેનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દીકરી આગળ વધે ત્યારે માત્ર તે જ નહીં પરંતુ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે, અને પોતાના હુનર પર વિશ્વાસ રાખી સતત મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે.

આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ઇબ્રાહિમભાઈ પટેલ, મોલાના ઇસૂબ ભરકોદરા, મોલાના સઈદ દેવલા સાહેબ સહિત બચ્ચોકા ઘર આમોદનો સમગ્ર સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અંતે મહેમાનો તથા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને આઇસ્ક્રીમ પીરસી આત્મીય રીતે વિદાય આપવામાં આવી હતી. આ પ્રમાણપત્ર વિતરણ સમારોહ મહિલાસશક્તિકરણ અને સ્વરોજગારની દિશામાં એક નોંધપાત્ર અને પ્રેરણાદાયક પહેલ તરીકે નોંધાયો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023