ધોરણ ૧૦ પાસ યુવાનો માટે કારકિર્દીની નવી ક્ષિતિજ: ભારતીય અર્થતંત્રમાં ઝડપથી વિકસતા ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ઉદ્યોગમાં કુશળ માનવબળ પૂરી પાડવા માટે જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવેલી J-FARM (જુબિલન્ટ ફૂડવર્ક્સ એકેડમી ફોર રેસ્ટોરન્ટ ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટ) પહેલે સફળતાના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન કાર્યક્રમે દેશના 12 થી વધુ રાજ્યોમાં વિસ્તરણ કરી 5,000 થી વધુ યુવાનોને વ્યાવસાયિક તાલીમ આપી આત્મનિર્ભર બનાવ્યા છે. વર્ષ 2023 થી ગતિ પકડનાર આ CSR પ્રોજેક્ટમાં ખાસ કરીને ટિયર-2 શહેરો અને ઉત્તર-પૂર્વ ભારતના અંતરિયાળ વિસ્તારોના યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. J-FARM ની સૌથી મોટી સફળતા એ છે કે દરેક બેચમાં 70 ટકાથી વધુ યુવાનોને તાલીમ બાદ તરત જ પ્લેસમેન્ટ મળે છે. તાલીમ મેળવેલા ઉમેદવારો આજે દેશની પ્રતિષ્ઠિત QSR બ્રાન્ડ્સમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.
જુબિલન્ટના J-FARM પ્રોજેક્ટે પ્લેસમેન્ટમાં મેળવી ૭૦% સફળતા: આ તાલીમ મોડલ અત્યંત વ્યવહારિક છે, જેમાં માત્ર પાંચ અઠવાડિયામાં ક્લાસરૂમ લર્નિંગની સાથે ઓન-ધ-જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે. ધોરણ 10 પાસ હોય તેવા વંચિત સમુદાયના યુવાનો પણ આ ક્ષેત્રમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે તેવું માળખું અહીં તૈયાર કરવામાં આવ્યું છે. તાલીમ કેન્દ્રો ઓપરેશનલ હબની નજીક હોવાથી યુવાનો માટે રોજગાર મેળવવાની પ્રક્રિયા વધુ સુગમ બની છે. જુબિલન્ટ ફૂડવર્ક્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ભારદે અને જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશનના હેડ વિવેક પ્રકાશે આ સફળતા પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કુશળતા વિકાસનું આ વ્યવહારિક મોડલ યુવાનોને લાંબા ગાળાની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે. J-FARM માત્ર તાલીમ જ નથી આપતું, પરંતુ યુવાનોને મોટા સપના જોવા અને તેને પૂર્ણ કરવા માટેનું એક મજબૂત મંચ પૂરું પાડે છે, જે સમાજના ટકાઉ વિકાસ માટે અનિવાર્ય છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com