Geo Gujarat News

વાગરા: મોતનું તાંડવ ખેલતા બેફામ ડમ્પરો, ગેસ એજન્સી પાસે હાઈટેન્શન લાઈન તોડી હોનારતને ખુલ્લું આમંત્રણ, DGVCL દ્વારા કંપનીને નોટિસની તૈયાર

ગેસ એજન્સી પાસે બેફામ ડમ્પરના ચાલકે વીજ લાઈનો તોડી પાડતા મોટી હોનારત ટળી: વાગરા-વીંછીયાદ રોડ પર પવનચક્કીના કામમાં રોકાયેલા બેફામ ડમ્પરે વીજ લાઈનો તોડી પાડતા મોટો અકસ્માત સર્જાયો હતો. ગેસ એજન્સીની નજીક જ સર્જાયેલા આ વીજ ધડાકાથી મોટી હોનારત સહેજમાં ટળી હતી, પરંતુ DGVCLની લાઈનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ ગંભીર બેદરકારી મામલે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે અને DGVCLના જે.ઈ. પ્રજાપતિએ સોમવારે KP ગ્રુપને નોટિસ ફટકારી નુકસાની વસૂલવાની ખાતરી આપી છે.

પવનચક્કીના કામમાં જોખમી લાપરવાહી, વીજ લાઈન તોડનાર KP ગ્રુપને નોટિસ અપાશે. : વાગરા-વીંછીયાદ માર્ગ પર ગત રાત્રે સર્જાયેલી એક ભયાનક ઘટનાએ કન્સ્ટ્રક્શન કંપનીઓની સલામતીના નિયમોના લીરેલીરા ઉડાડી દીધા છે. પ્રતીક કન્સ્ટ્રક્શનનું ડમ્પર GJ-16-AU-4150 જે KP ગ્રુપની પવનચક્કીના કામમાં રોકાયેલું છે, તેના ચાલકે તમામ નીતિ-નિયમો નેવે મૂકીને રોડ પર એવું બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કર્યું કે વીંછીયાદ ગામ અંધકારમાં ધકેલાઈ ગયુ હતું. ડમ્પરની ટ્રોલી ઉપરથી પસાર થતી ૧૧ કે.વી.ની હાઈટેન્શન વીજ લાઈન સાથે અથડાતા જોરદાર ધડાકા થયા હતા, જેના કારણે વાગરા DGVCL ના મોસમ ફીડર અને વીંછીયાદ પાઈપલાઈન સહિતની મુખ્ય લાઈનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે.ગેસ એજન્સી પાસે મોતનું તણખલું!: આ અકસ્માત જ્યાં સર્જાયો તેનાથી માંડ ૫૦ મીટરના અંતરે જ ઇન્ડિયન ગેસ એજન્સી આવેલી છે. જે પ્રકારે વીજ લાઈનો તૂટી અને શોર્ટ સર્કિટના ધડાકા થયા, જો તેનું એક પણ તણખલું ગેસ એજન્સીના પરિસરમાં પહોંચ્યું હોત તો આખું વાગરા અકલ્પનીય વિસ્ફોટ અને જાનહાનિનું સાક્ષી બન્યું હોત. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વીજ કરંટના ઝટકાથી ડમ્પરના ટાયરો પણ ફાટી ગયા હતા. કંપનીના સુપરવાઈઝર અને ડ્રાઈવરની આ અક્ષમ્ય ભૂલને કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો.વહીવટી તંત્રની લાલ આંખ અને જનરોષ: આ ગંભીર બેદરકારી અંગે વાગરા DGVCL ના જે.ઈ. પ્રજાપતિએ કડક વલણ અખત્યાર કરતા જણાવ્યું છે કે, રવિવારની રજા હોવા છતાં કર્મચારીઓએ રાતોરાત યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો. આ નુકસાન મામલે સોમવારે KP ગ્રુપને કાયદેસરની નોટિસ ફટકારી તમામ નુકસાની વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. તો બીજી તરફ, સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પવનચક્કીના કામમાં લાગેલી આ કંપનીઓ શું કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહી છે? લોકશાહીમાં આવી જોખમી બેદરકારી સામે માત્ર દંડ નહીં, પણ જવાબદાર કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવર સામે ગુનાહિત માનવ વધના પ્રયાસ હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.