ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં તાજેતરમાં શૈક્ષણિક અને ધાર્મિક ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ગામની શૈક્ષણિક સંસ્થા મદ્રસા એ ગુલશને મદીના દ્વારા વાર્ષિક ઇનામી જલ્સાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાનકડા ભૂલકાઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. ધાર્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મદ્રસાના વિદ્યાર્થીઓએ ઇસ્લામી શિક્ષણના ભાથા સાથે નાતશરીફ, કિરાત, અને અસરકારક બયાનાત રજૂ કર્યા હતા. ઉપરાંત, સવાલ-જવાબના સત્રો દ્વારા બાળકોએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો. બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે આ મંચ પૂરો પાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા આલિમે ઝીશાન મુકર્રિર સાહેબે પ્રેરણાદાયી વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આજના યુગમાં નૈતિક શિક્ષણ અને સકારાત્મક સામાજિક મૂલ્યો અનિવાર્ય છે. સાથે જ મૌલાના અલ્તાફ મિસ્બાહી સાહેબે પણ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા, જેના કારણે બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અત્યંત સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. આ જલ્સામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, મદ્રસાના શિક્ષકો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com