ધારાસભ્ય સમયના પાલનમાં ફેલ, વાગરામાં પરિવર્તન સભામાં નેતાજીની લેટ એન્ટ્રી ચર્ચાનો વિષય બની. : વાગરાના બચ્ચો કા ઘર સામેના મેદાનમાં આજે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભા રાજકીય પરિવર્તનની ચર્ચા કરતાં વધુ પક્ષની અનિશાસિતતા અને નેતૃત્વની જવાબદારીને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ હતી. જનતાના પ્રશ્નો માટે રસ્તા પર લડત લડવાનો દાવો કરનારા અને વ્યવસ્થા પરિવર્તનની મોટી વાતો કરનારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આ સભામાં મુખ્ય વક્તા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની દોઢ કલાકની વિલંબિત હાજરીએ સભામાં આવેલા લોકોમાં ભારે નારાજગી અને અસંતોષ ફેલાવી દીધો હતો.
કથની એક, કરણી બીજી! આપની પરિવર્તન સભામાં ધારાસભ્યની મોડાશી, જનતામાં ગણગણાટ : સભાના સત્તાવાર આમંત્રણપત્ર અને પ્રચારમાં કાર્યક્રમનો સમય સાંજે 4:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓથી લઈ નાગરિકોને સમયસર પહોંચવાની ખાસ અપીલ પણ કરવામાં આવી હતી. આ કારણે અનેક લોકો પોતાના રોજિંદા કામકાજ, વેપાર અને મજૂરી છોડીને સમયસર સભા સ્થળે પહોંચી ગયા હતા. જોકે, પાર્ટીના મુખ્ય ચહેરા એવા ધારાસભ્ય પોતે જ સમયપાલનમાં નિષ્ફળ રહેતા સાંજે 6 વાગ્યે સભા સ્થળે પહોંચ્યા, જેથી જનતાને દોઢ કલાક સુધી નિરાશામાં રાહ જોવાનો વારો આવ્યો હતો.
વ્યવસ્થા બદલવાના દાવા વચ્ચે બેદરકારી બહાર આવી!: આ લાંબી રાહ દરમિયાન સભા સ્થળે ભારે ગણગણાટ જોવા મળ્યો હતો. લોકોમાં ખુલ્લેઆમ ચર્ચા થતી હતી કે જે પક્ષ શિસ્ત, ઈમાનદારી અને જવાબદારીની વાતો કરે છે, તે પક્ષના જવાબદાર પ્રતિનિધિ જો સામાન્ય સભાના સમયનું પણ માન ન જાળવી શકે, તો તેઓ જનતાના પાયાના પ્રશ્નો જેવાકે બેરોજગારી, મોંઘવારી, પાણી, વીજળી અને વિકાસ પર સમયસર નિર્ણય કેવી રીતે લઈ શકશે? પરિવર્તન માત્ર ભાષણોમાં છે કે વ્યવહારમાં પણ? એવા સવાલો લોકોના મનમાં ઉઠતા નજરે પડ્યા હતા.
પરિવર્તનના નારા, સમયપાલનમાં નિષ્ફળતા: એકબાજુ મંચ પરથી વ્યવસ્થા બદલવાના નારા અને જનતાના હિતની વાતો, અને બીજીબાજુ જનતાને કલાકો સુધી રાહ જોવડાવવાની આ નીતિએ કથની અને કરણી વચ્ચેનો તફાવત ખુલ્લેઆમ ઉજાગર કરી દીધો હતો. કેટલાક કાર્યકર્તાઓએ અંદરખાને અસંતોષ વ્યક્ત કર્યો હતો તો કેટલાક લોકો કાર્યક્રમ પૂર્ણ થાય તે પહેલાં જ નિરાશ મન સાથે સ્થળ છોડીને જતા પણ જોવા મળ્યા હતા.
સમયસર પરિવર્તન લાવશે કોણ? વાગરામાં આપની સભાએ ઊભા કર્યા તીખા પ્રશ્નો : વાગરાની આ પરિવર્તન સભા આમ આદમી પાર્ટી માટે આત્મમંથનનું કારણ બની છે. ગુજરાતમાં રાજકીય પરિવર્તનની વાતો કરનાર પક્ષના નેતાઓ જો શિસ્ત, સમયપાલન અને જવાબદારી જેવા મૂળભૂત મુદ્દાઓ પર જ ખરા ઉતરતા ન હોય, તો જનતામાં વિશ્વાસ કેવી રીતે સ્થાપિત કરશે? તેવા તીખા અને સંવેદનશીલ સવાલો હવે વાગરા સહિત આસપાસના વિસ્તારોમાં ચર્ચાઈ રહ્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com