Geo Gujarat News

વડોદરા: કરજણ ટોલ પ્લાઝા પર શ્રમિકોનો રણસંગ્રામ, અનિયમિત પગાર અને સુવિધાઓના અભાવે મેનેજમેન્ટ સામે બાયો ચડાવી.

કરજણ ટોલ પ્લાઝા પર કામ કરતા ઇન્સીડન્સ અને મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓએ મેનેજમેન્ટની મનમાની, જોહુકમી અને શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન સામે બાયો ચડાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. હાઈવે પર જીવના જોખમે રાતદિવસ ફરજ બજાવતા કર્મચારીઓનો આક્રોશ હવે ફાટી નીકળ્યો છે. પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ મુજબ દર મહિને ૭ કે ૧૦ તારીખ સુધીમાં પગાર ચૂકવવો ફરજિયાત હોવા છતાં, કરજણ ટોલ પ્લાઝા પર કર્મચારીઓને ૨૦ તારીખ બાદ પણ પગાર ન મળતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અનિયમિત પગાર વ્યવસ્થાને કારણે કર્મચારીઓ પર ભારે આર્થિક સંકટ તૂટી પડ્યું છે. કર્મચારીઓએ જણાવ્યું કે પગાર મોડો મળવાથી ઘરભાડું, બાળકોની ફી, લોનના હપ્તા તેમજ દૈનિક ઘરખર્ચ ચલાવવો અશક્ય બનતો જઈ રહ્યો છે. વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કર્યા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ નક્કર પગલું લેવાયું નથી, ઉલ્ટું કર્મચારીઓ સાથે ઉદ્ધત અને અપમાનજનક વલણ અપનાવવામાં આવે છે. વર્ષોથી ઈમાનદારીપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓને આજદિન સુધી કોઈ ઈન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી, જે તેમની મહેનતનું મૂલ્ય ન આપવાની સ્પષ્ટ નીતિ દર્શાવે છે.
આટલું જ નહીં, હાઈવે પર અત્યંત જોખમી પરિસ્થિતિમાં કામગીરી કરતા કર્મચારીઓને સેફ્ટી જૅકેટ, હેલ્મેટ, લાઈટિંગ સાધનો જેવી પાયાની સુરક્ષા સુવિધાઓ આપવામાં આવતી નથી. અકસ્માતની સંભાવનાઓ વચ્ચે ફરજ બજાવતા હોવા છતાં કોઈ મેડિકલ ઈન્શ્યોરન્સ કે તાત્કાલિક સારવારની વ્યવસ્થા નથી, જે મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને ઉજાગર કરે છે. શ્રમ કાયદા મુજબ મળવાપાત્ર સુવિધાઓથી વંચિત રાખવામાં આવતાં કર્મચારીઓમાં ભય અને અસુરક્ષા વધતી જઈ રહી છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ તથા વર્ષોથી શ્રમિકોના હક અને ન્યાય માટે લડત આપતા ઇમ્તિયાઝ પટેલે કર્યું હતું. તેમણે મેનેજમેન્ટ અને ઉચ્ચ સત્તાધિશોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આગામી ૪૮ કલાકમાં પગારની અનિયમિતતા, ઈન્ક્રીમેન્ટ, સેફ્ટી સાધનો અને અન્ય વાજબી માંગણીઓનો ઉકેલ નહીં આવે, તો તમામ કર્મચારીઓ કામકાજ બંધ કરી ઉગ્ર આંદોલન અને અનિશ્ચિતકાલીન હડતાલ પર ઉતરશે. આ લડત માત્ર પગાર માટે નહીં, પરંતુ માનવ ગૌરવ અને શ્રમિક અધિકારો માટેની છે, એવું તેમણે સ્પષ્ટ કહ્યું.
શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન સામે કરજણ ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ હવે ભારેલા અગ્નિ જેવી બની ગઈ છે. જોકે કોન્ટ્રાક્ટર તરફથી સમસ્યાના નિવારણ અંગે આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે માત્ર વચનોથી નહીં, લેખિત અને તાત્કાલિક અમલથી જ વિશ્વાસ સ્થાપિત થશે. હવે જોવાનું એ રહેશે કે મેનેજમેન્ટ સમયસર પગલું ભરે છે કે પછી કરજણ ટોલ પ્લાઝા પર ઉગ્ર આંદોલનની આગ વધુ ભભૂકી ઉઠશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.