ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં એક યુવા મહિલા કોન્સ્ટેબલના આપઘાતથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મોડી રાત્રે બનેલી આ દુખદ ઘટનાએ પોલીસ તંત્રને પણ હચમચાવી દીધું છે. મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામની રહેવાસી અને છેલ્લા પાંચ વર્ષથી ભરૂચમાં LIB શાખામાં ફરજ બજાવતી 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે પોતાના સરકારી આવાસમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદમાં મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હસતી-રમતી અને ફરજપ્રત્યે નિષ્ઠાવાન ગણાતી યુવતી દ્વારા આવું અચાનક પગલું ભરવામાં આવતા સાથી કર્મચારીઓ અને ઓળખીતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
વિશેષ વાત એ છે કે, આપઘાતના થોડા કલાકો પહેલાં સુધી પ્રીતિ સંપૂર્ણ રીતે સામાન્ય અને ખુશમિજાજમાં જોવા મળી હતી. ફરજ દરમિયાન તેણે પોતાના સહકર્મચારીઓ સાથે હળવાશભરી વાતચીત કરી હતી. અને સ્ટાફ સાથે નાસ્તો તથા પાણીપૂરી પણ ખાધી હતી. આવી સ્થિતિમાં કોઈને પણ અંદાજ ન હોતો કે થોડા જ સમયમાં તે આવું આત્યંતિક પગલું ભરી લેશે, જેના કારણે સમગ્ર ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે ભરૂચ બી.ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આપઘાત પાછળ અંગત કારણો, પારિવારિક તણાવ કે કામસંબંધિત દબાણ જેવા મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પરિવારજનો તેમજ સહકર્મીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેના રિપોર્ટ પરથી આ દુખદ ઘટનાના કારણો અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com