Geo Gujarat News

આમોદ: પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ, નાયબ મામલતદારને આવેદનપત્ર

આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વગર જમીનમાં હાઈ ટેન્શન ટાવર ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ આજે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી પાવરગ્રીડ કંપની સામે કડક વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે તેમની માલિકીની જમીનમાં કોઈપણ પ્રકારની લેખિત સંમતિ કે યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ આડેધડ ખોદકામ કરી ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીનો વિરોધ કરતા ખેડૂતોને પોલીસની ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા પાવરગ્રીડ કંપની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ નિર્દોષ ખેડૂતો પર દમન ગુજારવામાં આવી રહ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લી દાદાગીરીથી ખેડૂતોની જમીનમાં હાઈ ટેન્શન ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા હોવાને કારણે ખેડૂતોમાં રોષની લાગણી વધી રહી છે.

અત્રે નોંધનીય છે કે આ મુદ્દે ખેડૂતો અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. તે સમયે ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવશે. છતાં પણ કોઈ ચર્ચા કે વળતર ચૂકવ્યા વગર પાવરગ્રીડ કંપની દ્વારા કામ ચાલુ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.અંતે ખેડૂતો દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો પાવરગ્રીડ કંપની દ્વારા કામ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.સાથે જ કોઈપણ પ્રકારની અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ તંગ બનતી જઈ રહી છે અને આવનારા દિવસોમાં ખેડૂતોનું આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરશે તેમ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.