ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂના તસ્કરો સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. વાપી શહેર નજીક આવેલી બલીઠા ચેકપોસ્ટ પર મધરાત્રે એલસીબીની ટીમે નાકાબંધી કરી દમણ તરફથી આવી રહેલા એક આઈશર ટેમ્પોને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનો પર્દાફાશ થયો હતો. પોલીસ સૂત્રો અનુસાર, એલસીબીને વિશ્વસનીય માહિતી મળી હતી કે આઈશર ટેમ્પો નંબર GJ-15-YY-5101 મારફતે દમણથી વાપી તરફ ગેરકાયદે દારૂ લવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બલીઠા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પો દેખાતાં જ તેને રોકી તલાશી લેવામાં આવી હતી, જેમાં 175 બોક્સમાંથી કુલ 4200 ટીન (અંદાજે 2100 લીટર) વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. આ દારૂની અંદાજીત કિંમત 9.66 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે દારૂ ઉપરાંત અંદાજે 10 લાખની કિંમતનો આઈશર ટેમ્પો, મોબાઈલ ફોન તથા વાહનના દસ્તાવેજો સહિત કુલ 19.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરમિયાન ટેમ્પો ચલાવતા લોકેન્દ્ર ઉર્ફે અખીલેશ પ્રવિન્દ્રકુમાર ઠાકુર (ઉ.વ. 25, રહે. દમણ, મૂળ ઉત્તર પ્રદેશ) ને સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે દમણના રવિ નામના શખ્સે દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. આ કેસમાં રવિ તેમજ એક અજાણ્યા મોપેડ સવારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલ આરોપી અને જપ્ત કરાયેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે પોલીસ દ્વારા દારૂના નેટવર્ક સુધી પહોંચવા તપાસ વધુ તેજ બનાવાઈ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com